સૂર્ય એક રાશિમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે, જે 14 જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે. મકર સંક્રાતિને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે.
ચંદ્રના આધાર પર મહિનાના 2 ભાગ છે. કૃષ્ણ અને શુક્લ પક્ષ. આ જ રીતે સૂર્યના આધાર પર વર્ષના 2 ભાગ છે. ઉત્તરાયણ અને દક્ષિણાયન. આ દિવસથી સૂર્ય ઉતરાયણ થઈ જાય છે. ઉત્તરાયણ એટલે એ સમયથી ધરતીનો ઉત્તરી ગોળાર્ધ સૂર્યની તરફ વળી જાય છે. તેથી ઉત્તરથી જ સૂર્ય નીકળવા માંડે છે, જેને સોમ્યાયન પણ કહે છે. સૂર્ય છ મહિના ઉતરાયણ રહે છે અને છ મહિના દક્ષિણાયન, તેથી આ તહેવારને ઉત્તરાયણના નામથી પણ ઓળખાય છે.
મકર સંક્રાતિંથી લઈને કર્ક સંક્રાંતિ વચ્ચે 6 માસનો સમયાંતરાલ હોય છે, જેને ઉત્તરાયન કહે છે. આ દિવસથી વસંત ઋતુની પણ શરૂઆત થાય છે અને આ તહેવાર સંપૂર્ણ અખંડ ભારતમાં પાકના આગમનની ખુશીના રૂપમાં ઉજવાય છે. ચોમાસાનો પાક કપાઇ ચુક્યો હોય છે અને ખેતરોમાં રવી (વસંત ઋતુ)નો પાક લહેરાય છે. મકર સંક્રાંતિના આ તહેવારને ભારતના જુદા જુદા રાજ્યોમાં ત્યાંના સ્થાનીક રિવાજો મુજબ ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આ તહેવારને પોંગલના રૂપમાં ઉજવાય છે. ઉત્તર ભારતમાં તેને લોહડી, ખિચડી પર્વ, પતંગોત્સવ વગેરે કહેવાય છે.
શરદીની ઋતુમાં તાપમાન ખૂબ ઓછું રહેવાને કારણે શરીરમાં રોગ અને બીમારી જલ્દી પ્રવેશી જાય છે. આથી આ દિવસ ગોળ અને તલથી બનેલા મિષ્ટાન કે પકવાન બનાવાય છે, ખવાય છે અને વહેંચાય પણ છે. તેમાં ગરમી પેદા કરનારા તત્વો સાથે જ શરીર માટે લાભકારી પોષક પદાર્થ પણ હોય છે. ઉત્તર ભારતમાં આ દિવસે ખિચડીનો ભોગ લગાવાય છે તથા ગોળ-તલ, રેવડી, ગઝકનો પ્રસાદ વહેંચવામાં આવે છે.
એવું કહેવાય છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ પ્રત્યેનો ગુસ્સો ત્યજીને તેમના ઘરે આવી ગયા હતા. આથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી પુણ્ય હજાર ગણું થઈ જાય છે. આ દિવસ સુખ અને સમૃદ્ધિનો ગણાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણનું મહત્વ બતાવતા ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના 6 મહિનાના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે તો આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ થતો નથી.
આવા લોકો બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આ જ કારણ હતું કે ભીષ્મ પિતામહે શરીર ત્યાં સુધી ત્યજ્યું નહોતું જ્યાં સુધી સૂર્ય ઉત્તરાયન નહોતો થઈ ગયો. ઉત્તર + અયન = ઉત્તર તરફ ગતિ. મકર સંક્રાંતિથી એટલે કે 14 જાન્યુઆરીથી 6 માસ સુધીનો સમય એટલે ઉત્તરાયણ. હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ મકર સંક્રાતિથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે, જે અષાઢ મહિના સુધી રહે છે. ઉત્તરાયણના 6 માસ દરમિયાન મૃત્યુ થાય તો જીવ વૈકુઠમાં સ્થાન પામે છે. ઉત્તરાયણના 6 માસ પૂરા થાય એટલે દક્ષિણાયનના 6 માસ શરૂ થાય છે. છ માસ સુધી દક્ષિણાયન એટલે દેવતાઓની રાત્રિ કહેવાય છે.
દક્ષિણાયનમાં મૃત્યુ પામનાર જીવ ચંદ્રનો પ્રકાશ મેળવી ફરીથી સંસારમાં જન્મ લે છે. મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથીની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમથી પસાર થઈ સાગરમાં જઈને મળ્યા હતા અને મહારાજ ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યુ હતું એટલે આ દિવસે ગંગાસાગરનો મેળો ભરાય છે. આ તહેવારને પતંગ મહોત્સવના નામથી પણ ઓળખાય છે અને આ દિવસે લોકો આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવે છે.
પતંગોત્સવ એવો શુભ સંદેશ આપે છે કે ભગવાન સુધી પહોંચવા જ્ઞાન અને ભક્તિરૂપી ઊંચાઈ પ્રાપ્ત કરો તો જરૂર ચડતા પતંગની માફક પ્રભુ પાસે પહોંચી શકાય છે. ઉત્તરાયણે સવારમાં વ્હેલાં ઠંડા પાણીમાં તલ ઉમેરીને તલસ્નાન કરવાનું મહાત્મ્ય છે. ત્યારબાદ તામ્રપાત્રમાં જળભરી તેમાં ચંદન-પુષ્પ-અક્ષત ઉમેરીને સૂર્ય નારાયણને અર્ધ્ય આપવાથી સૂર્યનારાયણ ભગવાન ઉપાસકના જીવનમાં તેજ અને નીરોગીતા પ્રદાન કરે છે. આ સમયે ગાયત્રી મંત્રના જાપ પણ અવશ્ય કરવા જોઈએ. વિશેષમાં શ્રીવિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અતિ ઉત્તમ ફળ પ્રદાન કરે છે.
મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિદ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

