હરિ મિલન રૂપી મુક્તિ તો અહંકારનો ત્યાગ કરવાથી જ મળે છે.
જેનું મન જેમાં ચોંટી ગયું હોય,જેના મનમાં જે ઠસી ગયું હોય તેને તેમાં જ આનંદ મળે છે પછી ભલેને તેનું મન માયામાં કે મોહમાં લાગ્યું હોય કે પછી પરમાત્મામાં હોય. જે જેના ખાસ ગુણોને જાણતો હોય તે તેના ગુણોનો લાભ લે છે. કોયલ ફક્ત કેરી જ ખાય છે જ્યારે કાગડો લિંબોળી ખાય છે. છાણનો કીડો મળને જ વખાણે છે માટે જેણે જે વસ્તુમાં ફાવતું આવે તેના જ વખાણ કરે છે. દરેક જણ પોતે પોતાની જ પસંદગીને સારી દેખાડવા પ્રયાસ કરે છે એવી નીતિ જગતમાં ચાલતી આવી છે. જમાના ચાલ્યા ગયા તો પણ ગધેડાએ સાકરને કડવી જ કહી છે, ઘૂવડને સૂર્ય ગમ્યો નથી, રૂકિમણીના કુટુંબીઓ, રૂકિમણીનો ભાઈના વારસો હજુપણ શ્રીકૃષ્ણની કથા સાંભળીને શ્રીકૃષ્ણ વિશે અનેક ખોટા તર્ક કરે છે. મને મનમાં હારી ગયો છું એવું લાગતું હોય તેને માટે હાર છે અને જેણે હું જીતી ગયો છું એવું માની લીધું હોય તો તેને માટે તે જીત લાગે છે.
વાછરડાનું એઠું દૂધ, શિવ નિર્માલ્ય, મધમાખી અને ભમરા બધા ફૂલોને સૂંઘે છે તેમ છતાંય તે તથા મરેલા મૃગની છાલનું વસ્ત્ર તેમજ કાગડાની ચરકમાંથી ઉત્પન્ન થતો પીપળો..આ પાંચેયને અતિ પવિત્ર માનવામાં આવે છે. મરેલા મૃગની છાલનું વસ્ત્ર, વાછરડાએ સ્તનપાન કરેલું દૂધ, કાગડાની વિષ્ટાથી ઉગેલો પીપળો તથા ગાઢ અને પ્રેમાળ સબંધવાળી વ્યક્તિ તથા શિવ નિર્માલ્ય વિગેરે બધી વસ્તુઓ પવિત્ર છે. કાગડાની ચરકમાંથી ઉત્પન્ન થતો પીપળો માણસ માટે તો શું દેવતા માટે પણ પૂજ્યતમ છે. મરેલા હરણનું ચામડું સદાય પવિત્ર છે, વાછરડાનું એઠું દૂધ સદાય પવિત્ર છે, શિવનિર્માલ્ય, શ્રી ગંગાજી જેને જહ્નું ઋષિ પી ગયેલા અને જાંઘમાંથી બહાર કાઢેલી એવી એંઠી હોવા છતાંય સદા પરમ પાવની છે, મધમાખી અને ભમરા બધા ફૂલોને સૂંધે છે તેમ છતાં તે સદાય પવિત્ર છે, તેનું અત્તર ભગવાનને ચડે છે તેવી જ રીતે પ્રભુ ભક્ત કોઈ પણ જ્ઞાતિ-જાતિમાં ઉત્પન્ન થયો કેમ ન હોય છતાંય તે પૂજનીય છે. પુનિયાદમાં જેણે બ્રાહ્મણ બનાવેલો તે પીપળો સૂકાઈ ગયો તેથી નવા પીપળાને વિધિ કરીને બ્રાહ્મણ બનાવ્યો. આ રીતે પીપળાને દોરા વીંટીને પૂજવા લાયક બ્રાહ્મણ બનાવી શકે છે. આ બ્રાહ્મણો પીપળાને પણ બ્રાહ્મણ બનાવી શકે છે પણ ઇસ્કોન સંસ્થાના સ્થાપક પ્રભુપાદ સ્વામીએ અમેરિકનોને પરમ કૃષ્ણ ભક્ત બ્રાહ્મણો બનાવ્યા છે છતાં આપણા બ્રાહ્મણો તેમને બ્રાહ્મણ તરીકે સ્વીકારવા તૈયાર નથી. અરે હિંદુ તરીકે પણ સ્વીકારવા તૈયાર નથી.
તમામ જીવ નર અને માદા જ્યારે એક જ જ્યોત્તિથી બનેલા છે અને એક જ તેમના નિર્માતા છે, શરીર ૫ણ જો બધાનાં એક સરખાં હોય તો ૫છી વિભિન્ન જાતિ-પાંતિના ભેદ અને બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શુદ્ર જેવા ચાર વર્ણ તથા લોકાચાર..વગેરેના વિવાદ કેમ? તમામ જાતિઓની જેમ તમામ તથાકથિત ધર્મ અને સંપ્રદાય ૫ણ જ્યારે એક જ પ્રભુના સંતાન છે તેથી તેમને માનવ સમજીને સમાન રૂ૫થી પ્રેમ કરવો જોઇએ. ક્યારેય જાતિ-પાંતિ-વર્ણ..વગેરેના આધારે કોઇને નાના-મોટા ન માનવા. કોઇ નાનું નથી કે કોઇ મોટું નથી. તમામ એક જ ઇશ્વરના સંતાન છે,ભાઇ-ભાઇ છે માટે સાથે મળીને સફળતાના માટે આગળ વધીએ.
કબીરજીએ કહ્યું છે કે.. જાતિ ન પૂછીએ સાધુકી,પૂછી લેહૂ જ્ઞાન,મોલ કરો તલવારકા પડા રહન દો મ્યાન..સંતની નાત-જાત પૂછવી નહીં પણ તેમનામાં રહેલા જ્ઞાનને મેળવી લેવું. તલવાર કેવી છે તેની પરીક્ષા કરવી પણ તેનું મ્યાન કેવું છે તે તપાસવું નહીં. પદ્રાપુરાણ કહે છે કે ભગવદ્ વિગ્રહની ઉત્પત્તિનું કારણ ભક્ત વૈષ્ણવોની ઉત્પત્તિ અને તેની માતૃયોનિની પરીક્ષા કરવી એ ત્રણેને પંડિતજનો તુચ્છ એટલે કે મહાપાપ માને છે. પરબ્રહ્મ પદની અવસ્થામાં જેઓ પહોંચીને સ્થિર થયા છે તેઓ ઇન્દ્રની કક્ષા સુધી જવાના મોહથી લલચાઈને મેલા થતા નથી. તમે તમારા મનમાંથી સંકલ્પો, ઈચ્છાઓને છોડીને ભગવાનની ભક્તિ કરશો તો તમે પરમાત્મા સાથેની જુદાઈને દૂર કરીને એક રૂપ થશો.
હું તો કાવ્યશાસ્ત્ર કે કાવ્યવૃત્તથી તમારી આરાધના કેવી રીતે કરવી એ પણ જાણતો નથી પરંતુ હે પ્રભુ ! હું તો એટલું જ જાણું છું કે તમે જ સૃષ્ટિના એક માત્ર સર્જનહાર છો. હું તો તમારી કૃપાથી જ કંઈક જાણું છું અને તમારી ભક્તિના આધારથી જ જીવું છું. હે પ્રભુ ! તમારી ભક્તિથી જ ભવસાગરની ચાર ખાણોનાં બંધનથી મુક્ત થઈશ. હું તમને કેવી રીતે આવાહન આપવું તે જાણતો નથી તેમજ તમને ચંદન લગાડીને કેવી રીતે પૂજવા તે પણ જાણતો નથી તથા તમારી આરાધના કેવી રીતે કરવી તે પણ જાણતો નથી માટે મને ક્ષમા કરશો. હે જનાર્દન ! દીનનાં દુઃખ હરનારા પ્રભુ ! મંત્ર બોલવામાં, ક્રિયા કરવામાં, ભક્તિ કરવામાં તથા પૂજા કરવામાં મારી જે કાંઈ ખામી રહી હોય તે આપની કૃપા વડે પૂર્ણ થાઓ.
ભક્ત ત્રિકમભાઈ ગોરધનભાઈ કુંડલીમાં કહે છે કે હું કાવ્યશાસ્ત્ર કે કાવ્યવૃત્તથી પદ રચના કરવાની કળા જાણતો નથી પરંતુ સૃષ્ટિના સર્જક પ્રભુની કૃપાને જાણું છું.સદગુરૂ અને સંતોના પ્રભાવથી હું ડર્યા વગર પાર વિનાની વાણી અને વાતો કહું છું.પ્રભુની પ્રેરણા થવાથી હું આવી અપારવાણી કોઈથી ડર્યા વગર કહું છું તેમાં જરા જેટલું પણ ખોટું નથી.હું કંઈ બેભાન અવસ્થામાં આવું કહ્યા કરતો નથી પણ હું મારા અનુભવને અનુસરીને સાચા તથ્યને કહું છું.મારા અંતરમાં ગુરૂ દ્વારા મળેલા જ્ઞાનનો સૂર્યોદય થયો છે માટે હું તો માત્ર સૃષ્ટિના સર્જનહાર એક ભગવાનને જ જાણું છું બાકી હું ભાષાકીય આંટીઘૂંટી કે ચાતુર્ય કે કાવ્યકળાને જાણતો નથી.
વેદ શાસ્ત્રોએ માનવ સમાજને ચાર પ્રકારના આશ્રમના નામથી કે ખટ દર્શનના નામથી તેમજ ચાર પ્રકારના વર્ણના નામથી બધાને ભ્રમમાં નાખીને છેતર્યા છે પરંતુ પ્રભુની પ્રતિતિ થયા વગર એ બધા વર્ણધર્મના અભિમાની લોકો રખડી ગયા છે. ભક્તિ કરતાં આવડે તો રામની ભક્તિ ઉત્તમ છે. જો કોઈ તે ભક્તિ જાતિ-વર્ણ વેગેરેથી રહિત બનીને કરે તો તેને ભગવતપ્રાપ્તિ થાય છે અને વર્ણાશ્રમથી રહિત થઇ જાય છે.
શુકદેવજીનો સંવાદ વ્યાસ સાથે થયો તેમાં શુકદેવ કહે છે કે વ્યાસજીને છોડીને તેમના પુત્ર શુકદેવજી જતા રહેતા હતા તેમની સાથે સંવાદ કરે છે ત્યારે વ્યાસજીને શુકદેવજી કહે છે કે હે પિતાજી ! તમે જાણો છો કે વર્ણાશ્રમના ધર્મથી કર્મબંધન છૂટી શકતાં નથી અને વળી વેદ પુરાણના શાસ્ત્રો તો જગતના લોકોની ભક્તિરૂપી મિલ્કતને લૂંટી લે છે. ભક્તિની સાચી સમજ હોય તો જ મુક્તિ મળી શકે છે, તો પછી તમે શા માટે આશ્રમધર્મના કર્મના મોહના બંધનમાં પડ્યા છો? અને મારા પ્રત્યે હું તમારો પુત્ર છું એવી પિતાની વાસના રાખો છો? હરિ મિલન રૂપી મુક્તિ તો અહંકારનો ત્યાગ કરવાથી જ મળે છે. બ્રહ્મને જાણવો,તેને જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું..આ અવસ્થા જ જીવન મુક્તિની અવસ્થા છે.
આત્માને પોતાના કર્મોને ભોગવ્યા પછી ભવબંધનના દુઃખને સહન કરવું પડે છે. હે આત્મા ! તારા ભલા માટે કહું છું કે તને આવું દુઃખ સહન કરવું પડે છે તો પણ તને શરમ આવતી નથી. દુઃખ સહે તો લાજે નહિ. હે પ્રભુ ! આ મારા જેવો પામર ભક્ત તમને વિનંતિ કરીને કહે છે કે તમે આ આત્માને ટાળીને, તમારાથી અળગો કરીને આવું શા માટે કરો છો?
વેદ પુરાણનો સાર..ધંધાની અંદર પ્રભુને ભૂલી જઈ પોતાનું આયુષ્ય વ્યર્થ ગુમાવ્યું અને જ્યાં સુધી આત્માએ પોતાનું ખરૂં કાર્ય કર્યું નથી ત્યાં સુધી તે પરમેશ્વરને મોઢું બતાવતાં શરમાય છે અને તેને જન્મ-મરણ પણ ધારણ કરવા પડે છે, પ્રભુને પ્રકૃતિનો સ્વામી માનીને એટલે કે તે પંચતત્વ આદિથી પર છે એમ માનીને ભજવો જોઇએ એના માટે બીજા કુતર્કો ન કરો.. પરબ્રહ્મ પદના સુખને જેણે મેળવ્યું છે તે ઇંદ્રના સુખ તરફ પણ લલચાતો નથી.. જે પુરૂષો વિવિધ પ્રકારના ધર્મોમાં,આશ્રમ ધર્મમાં ભોળવાઈ ગયેલા છે તે બધા તમારા(પ્રભુ) સિવાય રળવળી ગયેલા છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

