Ayodhya, તા. 9
રામ મંદિર ટ્રસ્ટનાં ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી ચંપત રાયે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ટ્રસ્ટનાં પૂર્વ સભ્ય અનિલ મિશ્રા પર ગંભીર આક્ષેપો કર્યા છે.
ચંપત રાયનો દાવો છે કે, ફેબ્રુઆરી 2025માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના અધિકારીઓ સાથે મળીને અનિલ મિશ્રાએ તેમની જાણ કે મંજૂરી વગર જ પૈસાની ગણતરી માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરી હતી. તેમણે દાનનાં સંચાલનમાં થયેલી ગેરરીતિઓ માટે અનિલ મિશ્રાને જવાબદાર ઠેરવ્યાં છે.
પત્રમાં ચંપત રાયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે અનિલ મિશ્રા પાસે બેંક સાથે વહીવટ કરવાની નાણાકીય અને વહીવટી સત્તાઓ હતી. મહાકુંભ દરમિયાન રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડને કારણે દાનની રકમમાં ઘણો મોટો વધારો થયો હતો.
આ વધારાને કારણે રોકડની ગણતરી ઝડપી બનાવવા માટે અનિલ મિશ્રાએ SBIની અયોધ્યા બ્રાન્ચના ચીફ મેનેજર ગોવિંદ મિશ્રા સાથે એક નવો એમઓયુ સાઈન કર્યો હતો.
ચંપત રાયે બેંકની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવતાં જણાવ્યું છે કે, ખાનગી એજન્સી દ્વારા રોકવામાં આવેલાં બેંકનાં કેશ-કાઉન્ટિંગ સ્ટાફે કદાચ કરન્સી ચેસ્ટ રૂમના નિયમોનું પાલન કર્યું ન હતું. તેમણે આ મામલે બેંકનાં વરિષ્ઠ મેનેજમેન્ટને સામેલ કરીને તપાસ કરવાની માંગ કરી છે, કારણ કે આ કરાર સામાન્ય બેંકિંગ નિયમો અનુસાર લાગતો નથી.

