શોમાં એના વિન્ટોર, ઈશા અંબાણી, કરણ જોહર અને ચીની અભિનેત્રી ફાન બિંગબિંગ સહિતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી
Mumbai તા.૧૧
ભારતના જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પેરિસ ફેશન વીકમાં ડેબ્યુ કર્યું છે. આ ડેબ્યુ શો દરમિયાન તેણે ‘મા’ નામનું કલેક્શન રજુ કર્યું, જે તેની સ્વર્ગસ્થ માતા સુદર્શન મલ્હોત્રાને સમર્પિત ભાવુક શ્રદ્ધાંજલિ છે. આ શોમાં તેણે પોતાનાં નવા હાઈ જ્વેલરી કલેક્શનને પણ લોંચ કર્યું. મનીષ મલ્હોત્રાએ આ કલેક્શન વિશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેની માતાના નિધન બાદ તેમની યાદો જ આ કલેક્શનની પ્રેરણા બની. તેણે કહ્યું કે તેમની માતાએ બાળપણથી જ સિનેમા અને કાપડ પ્રત્યેના તેના રસને પ્રોત્સાહન આપ્યું હતું અને આ જ લાગણીઓને તેણે આધુનિક કુટ્યોર ક્રિએશનમાં લાવવાનો પ્રયાસ કર્યો છે. ‘મા’ કલેક્શનમાં ભારતીય હસ્તકળા અને આધુનિક ડિઝાઇનનો સુંદર સમન્વય જોવા મળ્યો. ઑક્સબ્લડ અને શેમ્પેન જેવા સમૃદ્ધ રંગો, શિલ્પ જેવી આકૃતિઓ, વિશાળ વોલ્યુમ, આધુનિક અંદાજમાં રજૂ કરાયેલી સાડીઓ તથા મોતી, ઝરદોઝી, રેશમ અને સિક્વિન જેવી પરંપરાગત ભારતીય કઢાઈની અનેક ટેન્કિક્સે કલેક્શનને ખાસ બનાવ્યું હતું. બાળપણથી માતા સાથેના સંબંધને દર્શાવતા એમ્બ્રોઇડરી મોટિફ્સ, રક્ષણની ભાવના દર્શાવતા કોકૂન આકારના આઉટફિટ્સ તેમજ બંગડીઓથી પ્રેરિત શિલ્પાકૃતિ ડ્રેસિસે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઓ શોમાં એના વિન્ટોર, ઈશા અંબાણી, કરણ જોહર અને ચીની અભિનેત્રી ફાન બિંગબિંગ સહિતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. ઈશા અંબાણીએ મનીષ મલ્હોત્રાના ઓટમ/વિન્ટર ૨૦૨૬ હોટે કુટ્યોર કલેક્શનમાંથી ખાસ તૈયાર કરાયેલ હેન્ડમેડ ગોલ્ડ ગાઉન પહેર્યો હતો.

