Rajkot,તા.૧૮
ભેળસેળયુક્ત અને અખાદ્ય ખોરાક વેચનારાઓ સામે રાજકોટ મહાનગરપાલિકા (આરએમસી)ના આરોગ્ય વિભાગે છેલ્લા એક મહિનાથી શરૂ કરેલી વિશેષ ઝુંબેશમાં મોટા પાયે કાર્યવાહી કરી છે. આ અભિયાન દરમિયાન ૫.૫ ટન અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે ૨૮ પેઢી અને એકમોને સીલ કરવામાં આવ્યા છે. ઉપરાંત વિવિધ સંસ્થાઓને મળીને ૭ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગે શહેરના ૧,૧૦૦થી વધુ ખાણી-પીણીના એકમો અને વેપારી પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ૩૧૦ વેપારીઓને ભેળસેળ, ગંદકી અને અનહાઇજેનિક સ્થિતિ અંગે નોટિસ આપવામાં આવી હતી.
આ ઝુંબેશ દરમિયાન અનેક જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટમાં પણ તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, કેટલીક મોંઘી હોટલોમાં પણ અખાદ્ય અને ગુણવત્તા વિરુદ્ધનો ખોરાક મળી આવતા તેમની સામે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
માત્ર રાજકોટ શહેર જ નહીં પરંતુ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગે વિવિધ તાલુકાઓમાં કાર્યવાહી હાથ ધરી હતી. ગોંડલના ગુંદાળા વિસ્તારમાં આવેલી મસાલા ફેક્ટરી સહિત અન્ય ફૂડ યુનિટોમાં પણ તપાસ કરીને નિયમભંગ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે વધુ અસરકારક કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું કે, જિલ્લામાં ભેળસેળ કરનારાઓ સામે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં. આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા વધુ સઘન ચેકિંગ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

