Surat,તા.૧૮
Surat અને તાપી જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. સહકારી ક્ષેત્રના આ સૌથી મોટા જંગમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૬ માંથી ૧૫ બેઠકો પર વિજય મેળવી પોતાનું પ્રભુત્વ સિદ્ધ કર્યું છે. જોકે, આ પ્રચંડ વિજયની વચ્ચે પણ મહુવા બેઠક પરના પરિણામે સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.
સુમુલ ડેરીની ૧૬ બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે ૧૫ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીજી તરફ, વિરોધ પક્ષ કોંગ્રેસ માટે આ ચૂંટણી નિરાશાજનક રહી છે. વ્યારા જેવા ગઢમાં પણ ડો. તુષાર ચૌધરીના નેતૃત્વમાં કોંગ્રેસ એક પણ બેઠક મેળવી શકી નથી, જેનાથી દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં વિપક્ષ હાંસિયામાં ધકેલાઈ ગયો છે.
આ ચૂંટણીનો સૌથી મોટો આંચકો મહુવા બેઠક પરથી આવ્યો છે. પૂર્વ ચેરમેન માનસિંગ પટેલને ભાજપ દ્વારા ટિકિટ ન મળતા તેમણે બળવો કર્યો હતો. માનસિંગ પટેલે આદિવાસી સમાજની અવગણનાનો મુદ્દો ઉઠાવીને પોતાના અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલને મેદાનમાં ઉતાર્યા હતા.
પરિણામોએ બધાને ચોંકાવી દીધા હતા. ભાજપના સત્તાવાર ઉમેદવાર જીગર નાયકને માત્ર ૨૨ મત મળ્યા, જ્યારે માનસિંગ પટેલના સમર્થિત અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલ ૩૩ મતો મેળવીને વિજયી થયા છે. આ પરિણામે સાબિત કરી દીધું છે કે, સ્થાનિક સ્તરે માનસિંગ પટેલનું જનસમર્થન હજુ પણ અકબંધ છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ૭ બેઠકો (વાલોડ, ઉચ્છલ, બારડોલી, માંગરોળ, પલસાણા, ચોર્યાસી અને કામરેજ) પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. બાકીની ૯ બેઠકો પર ભારે રસાકસી જોવા મળી હતી. સોનગઢમાં કાંતિભાઈ ગામીતે ૧૨૫ મતોના મોટા માર્જિનથી વિજય મેળવ્યો હતો, જ્યારે વ્યારા, નિઝર અને કુકરમુંડા જેવી બેઠકો પર માત્ર ૧-૧ મતની પાતળી સરસાઈથી પરિણામો નક્કી થયા હતા.
સુમુલ ડેરીના આ પરિણામોએ દર્શાવ્યું છે કે, જ્યાં એક તરફ ભાજપનું સંગઠન મજબૂત છે, તો બીજી તરફ સહકારી ક્ષેત્રમાં વ્યક્તિગત પ્રભાવ અને સ્થાનિક સમીકરણો હજુ પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. હવે સહુની નજર આગામી સમયમાં ડેરીના વહીવટ અને આંતરિક સમીકરણો પર રહેશે.

