સસરાએ મિલકત પૌત્રી ના નામે કરી દેતા જમાઈ અને ભાણેજે ખાર રાખી માર માર્યો
Rajkot,તા.18
શહેરના સ્વામિનારાયણ ચોક નજીક અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં મારામારીની ઘટના સામે આવી છે. પિતાએ પોતાની પ્રોપર્ટી પૌત્રીના નામે કરી દેતાં, તેનો ખાર રાખીને બનેવી અને તેના દીકરાએ આધેડ પર ઢીકાપાટુનો નિર્મમ માર માર્યો હતો. ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સ્વામિનારાયણ ચોક પાસે અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ પર રહેતા અને ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા ધવલભાઈ ભુપતભાઈ વાઘેલા (ઉં.વ. ૪૨) રાત્રે ૮:૩૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા. તે દરમિયાન તેમના જ જમાઈ રાજેશભાઈ ગોહિલ અને ભાણેજ રાજવીર ગોહિલ ત્યાં ધસી આવ્યા હતા અને ઝઘડો કરી ધવલભાઈને ઢીકાપાટુનો મરણતોલ માર માર્યો હતો. ધવલભાઈના જણાવ્યા અનુસાર તેમના પિતા ભુપતભાઈએ પોતાની મિલકત (પ્રોપર્ટી) ધવલભાઈની દીકરી પલકના નામે કરી દીધી હતી. આ વાતનો ખાર રાખીને જમાઈ રાજેશ અને પૌત્ર રાજવીરે ધવલભાઈ પર હુમલો કર્યો હતો. હાલ આ મામલે ઈજાગ્રસ્ત ધવલભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

