(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૧
આધુનિક યુગમાં હવામાન વિભાગ સેટેલાઇટ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી વરસાદની આગાહી કરતું હોય છે, ત્યારે જામનગર જિલ્લાના આમરા ગામમાં આજે પણ પાંચથી છ સદીઓ જૂની લોકપરંપરા જીવંત છે. અહીં અષાઢના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશા પરથી વરસાદના આગમન અને તેના પ્રમાણનું અનુમાન કરવામાં આવે છે.જામનગર-દ્વારકા હાઇવે પર આવેલા આમરા ગામમાં દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમગ્ર ગામ આ પરંપરામાં ઉત્સાહભેર જોડાય છે. ગામની મહિલાઓ વિશેષ રીતે રોટલો તૈયાર કરે છે. ત્યારબાદ ઢોલ-નગારાના તાલે સરઘસ સાથે રોટલાને કૂવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે લઈ જવામાં આવે છે. ત્યાં પૂજા-અર્ચના અને ધ્વજારોહણ બાદ નિયુક્ત વ્યક્તિ દ્વારા રોટલો કૂવામાં પધરાવવામાં આવે છે.
વિધિ દરમિયાન રોટલો પાણીમાં ડૂબતા પહેલાં જે દિશામાં આગળ વધે છે, તેના આધારે ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે. આ વર્ષે રોટલો ઉગમણી (પૂર્વ) દિશા તરફ આગળ વધ્યો હતો. ગામના આગેવાનોના જણાવ્યા મુજબ આ શુભ સંકેત માનવામાં આવે છે અને તે સારા વરસાદ તેમજ પાણીની સમૃદ્ધિનું સૂચક છે. તેમના જણાવ્યા મુજબ આ વર્ષે વરસાદ સારો પડશે અને પાણીનું વર્ષ રહેશે તેવી લોકમાન્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગામના વડીલોના જણાવ્યા અનુસાર આ પરંપરા પાંચથી છ સદીઓથી અવિરત ચાલી રહી છે. ખેતીપ્રધાન સમાજ માટે આ પરંપરા માત્ર વરસાદની આગાહી પૂરતી મર્યાદિત નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની આસ્થા, ગ્રામ્ય સંસ્કૃતિ અને સામૂહિક એકતાનું પણ પ્રતીક બની ગઈ છે.
વિજ્ઞાન અને ટેકનેલોજીના આ યુગમાં પણ આમરા ગામના લોકો આ પરંપરાને એટલી જ શ્રદ્ધા અને ઉત્સાહથી જાળવી રાખી રહ્યા છે. દર વર્ષે યોજાતી આ અનોખી વિધિ જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, જેના કારણે આ પરંપરા ગ્રામ્ય સાંસ્કૃતિક વારસાનું અનોખું ઉદાહરણ બની રહી છે.

