(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૨
Jamnagar જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામમાં જૂની અદાવતના કારણે એક ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ, હરીપર (મેવાસા) ગામના રહેવાસી અને ખેડૂત ઓસમાણભાઈ સાજનભાઈ મલેક (ઉંમર ૫૫ વર્ષ) તા. ૨૧ જુલાઈના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે પોતાના મોટરસાયકલ પર વાડી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગામની મસ્જિદ પાસે આરોપી દોસમામદભાઈ હાસમભાઈ હાલાણીએ તેમને રસ્તામાં અટકાવી જૂની અદાવત બાબતે બોલાચાલી શરૂ કરી હતી.
ફરિયાદ અનુસાર, આરોપીએ ફરિયાદીને બે-ત્રણ લાફા મારી ગાળો આપી હતી તેમજ ‘‘ફરી મારી સામે ખટપટ કરીશ તો હાથ-પગ ભાંગી નાખીશ અને જીવતો નહીં રહેવા દઉં‘‘ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીનું ગળું પકડી તેમને મોટરસાયકલ પરથી નીચે પછાડી દેતા તેઓને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨) અને ૩૫૧(૩) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની અટકાયત હજુ બાકી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

