(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૨
Jamnagarમાં વિધવા સહાય યોજના હેઠળ મોટી રકમ મળવાની હોવાનું કહી એક મહિલાએ ડીશ ટીવી કંપનીના ટેકનિશિયનને વિશ્વાસમાં લઈ અલગ-અલગ યુપીઆઈ આઈડી અને ક્યૂઆર કોડ પર તબક્કાવાર કુલ રૂપિયા ૧૭,૧૩,૯૭૯ ટ્રાન્સફર કરાવ્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૩૧૬(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી ઓમપ્રકાશ રાજારામભાઈ ચૌધરી (રહે. ગુલાબનગર, રાજપાર્ક-૧, જામનગર) ખાનગી કંપનીમાં ડીશ ટીવી ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. તેમની ફરિયાદ મુજબ લગભગ દસ વર્ષ પહેલાં ડીશ ટીવી ઇન્સ્ટોલેશન દરમિયાન ખોડિયાર કોલોનીમાં રહેતી નીતાબેન રસિકલાલ ખારેચા સાથે પરિચય થયો હતો. ત્યારબાદ ડીશ ટીવીના રિચાર્જ અને સર્વિસના કામે અવારનવાર સંપર્કમાં રહેતાં નીતાબેને પોતાના પતિના અવસાન બાદ વિધવા સહાય યોજના હેઠળ મોટી રકમ મળવાની હોવાનું કહી સરકારી પ્રક્રિયા માટે નાણાંની જરૂર હોવાનું જણાવ્યું હતું.
ફરિયાદ અનુસાર, શરૂઆતમાં નીતાબેને પોતાના પુત્રના મોબાઇલ નંબર સાથે જોડાયેલા યુપીઆઈ પર રકમ મોકલવા જણાવ્યું હતું અને ત્યારબાદ વિવિધ યુપીઆઈ આઈડી તેમજ ક્યૂઆર કોડ મોકલી અલગ-અલગ હપ્તામાં નાણાં મંગાવ્યાં હતા. નીતાબેન વારંવાર વિધવા સહાયની રકમ મળતાં જ તમામ રૂપિયા પરત આપી દેવાની ખાતરી આપતાં ફરિયાદીએ વિશ્વાસ રાખીને તા. ૮ નવેમ્બર, ૨૦૨૫થી તા. ૧૫ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન કુલ રૂપિયા ૧૭,૧૩,૯૭૯ ટ્રાન્સફર કર્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.ફરિયાદીનો આક્ષેપ છે કે હવે આરોપી મહિલા રૂપિયા પરત આપવાનો ઇનકાર કરી રહી હોવાથી પોતાની સાથે ગુનાહિત વિશ્વાસઘાત થયો હોવાનું માની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નોંધાયેલી ફરિયાદના આધારે સમગ્ર નાણાકીય વ્યવહારોની વિગતો મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

