(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૪ઃ
Jamnagar શહેરની જાણીતી બાલાર્ક મેટલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા ચેક રિટર્ન કેસમાં જામનગરની અદાલતે કંપનીના પૂર્વ કર્મચારીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ જેટલો દંડ અને વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
કેસની વિગતો મુજબ, બાલાર્ક મેટલ્સ પ્રાઈવેટ લિમિટેડમાં આસિસ્ટન્ટ શોપ ફ્લોર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા જાડેજા જયેન્દ્રસિંહ મનુભાએ અંગત જરૂરિયાત માટે કંપની પાસેથી રૂ. ૧,૫૦,૦૦૦ની લોન લીધી હતી. લોનની રકમ માસિક રૂ. ૫,૦૦૦ના હપ્તાથી પરત ચૂકવવાની શરત હતી. આરોપીએ રૂ. ૬૧,૮૩૨ની ચુકવણી કર્યા બાદ બાકીના હપ્તા નિયમિત ભર્યા નહોતા.
બાકી લેણાં પેટે આરોપીએ કંપનીના નામે રૂ. ૮૮,૧૬૮નો યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, જામનગર શાખાનો ચેક આપ્યો હતો અને ચેક ક્લિયર થવાની ખાતરી આપી હતી. જોકે, કંપનીએ ચેક બેંકમાં રજૂ કરતાં તે ફંડ ઇનસફિશિયન્ટ ના કારણસર પરત ફર્યો હતો.
ત્યારબાદ કંપની દ્વારા વકીલ મારફતે કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી હતી. છતાં આરોપીએ ન તો નોટિસનો જવાબ આપ્યો અને ન તો ચેકની રકમની ચુકવણી કરી. પરિણામે કંપનીએ જામનગરની અદાલતમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસની સુનાવણી જામનગરના પાંચમા એડિશનલ સિનિયર સિવિલ જજ તથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં ચાલી હતી. સમગ્ર પુરાવા અને બંને પક્ષની દલીલોને ધ્યાને લઈ અદાલતે આરોપી જાડેજા જયેન્દ્રસિંહ મનુભાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૭૮(૨) હેઠળ તથા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, ૧૮૮૧ની કલમ ૧૩૮ મુજબ દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ, રૂ. ૮૮,૧૬૮નો દંડ તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૩૯૫(૩) હેઠળ ફરિયાદી કંપનીને રૂ. ૮૮,૧૬૮ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
અદાલતે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે જો આરોપી હુકમ મુજબ વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેને વધારાની ત્રણ માસની સાદી કેદ ભોગવવી પડશે.ફરિયાદી બાલાર્ક મેટલ્સ પ્રાઈવેટ લિમિટેડ તરફથી સિનિયર ધારાશાસ્ત્રી શ્રી નીતલ એમ. ધ્રુવ સાથે ડેનિશા એન. ધ્રુવ, પૂજા એમ. ધ્રુવ, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી, અલ્ફાઝ એ. મુન્દા, અશ્વિન એ. સોનગરા અને પ્રિતેશ કે. ભટ્ટે કેસની કાર્યવાહી સંભાળી હતી.

