પોતાના ઘેરથી રમવા નીકળેલા ૯ વર્ષ અને ૧૪ વર્ષના બે બાળકો પરત ન ફરતાં પરિવાર ચિંતિત; અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધાયો
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૮
Jamnagar જિલ્લાના કાલાવડ શહેરમાં રમવા માટે ઘરેથી નીકળેલા બે સગીર બાળકો રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતા ફેલાઈ છે. બંને બાળકોની શોધખોળ છતાં કોઈ ભાળ ન મળતાં તેમના વાલીઓએ અજાણ્યા શખ્સ સામે કાયદેસરના વાલીપણામાંથી અપહરણની શંકા વ્યક્ત કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, કાલાવડના જીવાપર રોડ પર આવેલા કૈલાશનગરમાં રહેતા અને લીમડા ચોક ખાતે શિવમ પ્રોવિઝન સ્ટોર ચલાવતા નીલેષગીરી રામગીરી અપારનાથીનો ૯ વર્ષીય પુત્ર ગત તા. ૨૭ જુલાઈની સાંજે આશરે ૬ વાગ્યે પડોશમાં રહેતા તેના મિત્ર (ઉ.વ. ૧૪) સાથે રમવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. જે પોતાની સાથે રૂપિયા ૩૦૦ રાખેલું પાકીટ પણ લઈ ગયો હતો.
સાંજે ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેંના ઘરે તેમજ આસપાસના વિસ્તારમાં અને સગા-સંબંધીઓ પાસે શોધખોળ કરી હતી. જોકે બંને બાળકોનો કોઈ પત્તો ન લાગતાં વાલીઓએ અજાણ્યા શખ્સે બંને સગીરોનું અપહરણ કરી લઈ ગયો હોવાની શંકા વ્યક્ત કરી કાલાવડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી નો પુત્ર ઘરેથી નીકળ્યો ત્યારે રાખોડી રંગનું ટી-શર્ટ અને રાખોડી પેન્ટ પહેરેલો હતો, જ્યારે તેના મિત્રએ કાળા રંગનું પેન્ટ તથા ક્રીમ રંગનો કાળા પાંદડાની ડિઝાઇનવાળો શર્ટ પહેર્યો હતો.
કાલાવડ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી બંને સગીરોની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.જે તપાસ દરમિયાન આજે સવારે પોલીસને ચોક્કસ બાતમી મળી છે, કે એક બાળક સુરેન્દ્રનગર સુધી પહોંચ્યો છે. જેથી કાલાવડની પોલીસ ટુકડી તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગર રવાના થઈ ગઈ છે, અને સ્થાનિક પોલીસનો સંપર્ક સાધીને બાળકનો કબજો મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.

