(નયના દવે દ્વારા) Jamnagarતા.૨૯
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને ચિંતા યથાવત્? છે. આ દરમિયાન રોજીયા ગામના એક વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થતાં જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના મૃત્યુનો આંક હવે પાંચ પર પહોંચ્યો છે. જોકે, મૃત બાળકનો ચાંદીપુરા વાયરસ અંગેનો લેબોરેટરી રિપોર્ટ હજુ આવવાનો બાકી હોવાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.
માહિતી મુજબ, રોજીયા ગામના એક વર્ષના બાળકને ગંભીર હાલતમાં જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં દાખલ કરાયાના ગણતરીના કલાકોમાં જ બાળકનું મોત નીપજ્યું હતું. બાળકના લોહી સહિતના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
અત્યાર સુધીમાં જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જામનગરની બે વર્ષની બાળકી, લાંભા ગામના બે વર્ષના બાળક, આમરાના બાળક, દેવભૂમિ દ્વારકાની એક વર્ષની બાળકી અને હવે રોજીયા ગામના એક વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. આ સાથે સારવાર દરમિયાન મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો છે.
હાલ જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બે બાળકો સારવાર હેઠળ છે. તબીબોના જણાવ્યા મુજબ બંને બાળકોની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે, જોકે હજુ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી અને નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.આરોગ્ય વિભાગ દ્વારા તમામ શંકાસ્પદ કેસોના નમૂનાઓ પુણેની રાષ્ટ્રીય પ્રયોગશાળામાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટના આધારે જ ચાંદીપુરાની પુષ્ટિ થશે. દરમિયાન આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, તાવગ્રસ્ત બાળકોની તપાસ અને સાવચેતીના પગલાં વધુ સઘન બનાવ્યા છે.

