(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૯
કાલાવડ શહેરમાં ધોળેદહાડે બાઈકની ડેકી તોડી રૂપિયા ૧,૨૨ લાખ ની રોકડ રકમની ચોરીની ઘટના સામે આવી છે. રણુજા રોડ વિસ્તારમાં રહેતા ખેડૂત ગોરધનભાઈ જેઠાભાઈ પ્રાગજીભાઈ ચિકાણી (પટેલ)એ કાલાવડ ટાઉન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મંગળવારે સવારે ગુજરાત ગ્રામિણ બેંકમાંથી ખેતીના ધિરાણના રૂ. ૧,૦૦,૦૦૦ તેમજ પોતાના અને પત્નીના બચત ખાતામાંથી રૂ. ૧૮,૦૦૦ ઉપાડી, અગાઉની રૂ. ૪,૦૦૦ રોકડ સાથે કુલ રૂ. ૧,૨૨,૦૦૦ કાપડની થેલીમાં મૂકી બાઈકની ડેકીમાં રાખીને શાકભાજી લેવા શાક માર્કેટ ગયા હતા.
શાકભાજી ખરીદી પરત ફરતા બાઈકની ડેકી ખુલ્લી જોવા મળી હતી અને તેમાં રાખેલી રૂ. ૧.૨૨ લાખની રોકડ ભરેલી થેલી ગાયબ હતી. આસપાસ શોધખોળ કર્યા બાદ નજીકની વૃંદાવન ડેરીના સીસીટીવી કેમેરા તપાસતા બે અજાણ્યા શખ્સો કોઈ સાધન વડે બાઈકની ડેકી ખોલી રોકડની થેલી ચોરી કરતા કેદ થયા હોવાનું બહાર આવ્યું હતું. એક શખ્સે વાદળી ચેક્સવાળો શર્ટ અને ગ્રે રંગનું પેન્ટ જ્યારે બીજા શખ્સે સફેદ શર્ટ અને વાદળી રંગનું પેન્ટ પહેર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ બનાવ અંગે કાલાવડ ટાઉન પોલીસે અજાણ્યા બે શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આકાશ લીલાધરભાઈ બારસિયાને સોંપી છે.

