(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૯
જામનગરના લાખાબાવળ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક સોલાર પેનલના કમ્પોનેન્ટ બનાવતી કંપનીમાં ચાર અજાણ્યા તસ્કરોએ ત્રાટકી રૂ. ૧.૯૦ લાખની રોકડ રકમની ચોરી કરતાં પોલીસમાં ગુનો નોંધાયો છે. સમગ્ર ઘટનાના દૃશ્યો કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદ મુજબ, ન્યૂ મેહુલનગરમાં રહેતા અને લાખાબાવળ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નં. ૧૨ ખાતે આવેલી એમ્પલ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના ભાગીદાર જય રાજેશભાઈ વડારિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ તેમના ભાગીદારો સાથે સોલાર પેનલના કમ્પોનેન્ટનું ઉત્પાદન કરે છે.
તા. ૨૬ જુલાઈની સાંજે કારખાનું બંધ કરીને કર્મચારીઓ ઘરે ગયા બાદ રાત્રે કારખાનામાં કોઈ ચોકીદાર હાજર ન હતો. બીજા દિવસે સવારે એકાઉન્ટન્ટ હીરેનભાઈ કાલરે કારખાનાની ઓફિસના દરવાજાનું તાળું તોડવાનો પ્રયાસ કરાયેલો અને બારીના સળિયા તૂટેલા હોવાનું જણાવી માલિકોને જાણ કરી હતી.
માલિકો સ્થળે પહોંચીને તપાસ કરતાં ઓફિસનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. ઓફિસના ટેબલના ખાનામાં પેઢીના હિસાબ માટે રાખવામાં આવેલા રૂ. ૧,૯૦,૦૦૦ રોકડા ગુમ હોવાનું બહાર આવ્યું હતું.
ત્યારબાદ સીસીટીવી ફૂટેજ તપાસતાં ચાર અજાણ્યા શખ્સો વહેલી સવારે કારખાનાની દિવાલ અને મુખ્ય ગેટ કૂદી અંદર પ્રવેશતા દેખાયા હતા. તસ્કરોએ પહેલા મુખ્ય દરવાજાનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં સફળતા ન મળતાં ઓફિસની લોખંડની બારીના સળિયાના વેલ્ડિંગ તોડી બે શખ્સો અંદર પ્રવેશ્યા હતા, જ્યારે અન્ય બે બહાર નજર રાખતા ઊભા રહ્યા હતા. ત્યારબાદ ટેબલના ખાનામાંથી રૂ. ૧.૯૦ લાખની રોકડ ચોરી કરી ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૩૩૧(૩), ૩૩૧(૪) અને ૩૦૫(એ) હેઠળ ચાર અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

