Junagadh,તા.૨૯
જૂનાગઢમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની બીએએમએસ પરીક્ષામાં પેપર લીકના આક્ષેપોને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ અને કોંગ્રેસ દ્વારા જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.એનએસયુઆઇ અને કોંગ્રેસના કાર્યકરોએ રાજ્યમાં વારંવાર સામે આવતા પેપર લીકના મુદ્દે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
વિરોધ દરમિયાન એનએસયુઆઇ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની તૃતીય પ્રોફેશનલ વર્ષ બીએએમએસની ‘શલ્ય તંત્ર-૧’ પરીક્ષા પહેલા જ પ્રશ્નો વ્હોટ્સએપ પર ફરતા થયા હતા. આક્ષેપ મુજબ, વ્હોટ્સએપ પર ફરતા ‘ઈમ્પોર્ટન્ટ ટોપિક્સ’માંથી મોટાભાગના મુદ્દાઓ પરીક્ષાના પ્રશ્નપત્રમાં જોવા મળ્યા હતા.એનએસયુઆઇએ આ ઘટનાને ગંભીર ગણાવી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ગણાવ્યા છે.
એનએસયુઆઇ અને કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.સાથે જ પેપર સેટ કરનાર વ્યક્તિઓ, જવાબદાર અધિકારીઓ અને સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વિરોધ દરમિયાન કોંગ્રેસ અને એનએસયુઆઇના નેતાઓએ ગુજરાતમાં અગાઉ સામે આવેલા વિવિધ પેપર લીકના બનાવોનો ઉલ્લેખ કર્યો હતો.તેમણે આક્ષેપ કર્યો કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી ભરતી અને પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓને કારણે લાખો વિદ્યાર્થીઓને નુકસાન થયું છે.
કોંગ્રેસ નેતા કરશનદાસ બાપુએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે વારંવાર પેપર લીક થવાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પર ગંભીર અસર પડે છે.તેમણે આરોપ લગાવ્યો કે સરકારની બેદરકારીના કારણે યુવાનોના સપનાઓને નુકસાન થઈ રહ્યું છે અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા જોઈએ.
કરસનદાસ બાપુએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ વર્ષો સુધી મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરે છે, પરંતુ પેપર લીક જેવી ઘટનાઓ તેમના ભવિષ્ય પર સીધી અસર કરે છે.તેમણે સરકારને અપીલ કરી કે આવા બનાવો અટકાવવા માટે કડક વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
જૂનાગઢ એનએસયુઆઇ પ્રમુખ મયુર સાવલિયાએ જણાવ્યું કે મ્છસ્જી પેપર લીક મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.તેમણે માંગ કરી કે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.મયુર સાવલિયાએ ચેતવણી આપી કે જો યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો એનએસયુઆઇ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.
બીએએમએસ પેપર લીક મુદ્દે હવે રાજકીય વિરોધ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. એનએસયુઆઇ અને કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓના હિતમાં તેઓ આ મુદ્દે આગળ પણ વિરોધ કાર્યક્રમો કરશે.

