New Delhi, તા. 31
સુપ્રીમ કોર્ટે ગુરુવારે મોટર અકસ્માત વળતરના મામલાઓમાં એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવતાં કહ્યું કે જો અકસ્માત સમયે વાહન ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ માન્ય ન હોય અથવા તેને સમયસર રિન્યુ કરવામાં ન આવ્યું હોય તો વીમા કંપનીને અંતિમ સ્વરૂપે વળતર ચૂકવવા માટે જવાબદાર ઠેરવી શકાતી નથી.
અદાલતે કહ્યું કે અમાન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે વાહન ચલાવવું એ વીમા કરારની શરતોનું ઉલ્લંઘન છે અને આવી સ્થિતિમાં વાહન ચાલક અથવા માલિકે વળતરની રકમ સ્વયં ચૂકવવી પડી શકે છે.
પીઠે એ પણ કહ્યું કે, દેશમાં મોટી સંખ્યામાં લોકો અમાન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે વાહન ચલાવી રહ્યાં છે, જેના કારણે અકસ્માત થવા પર ચાલક અને વાહન માલિક પર કરોડો રૂપિયા સુધીનું વળતર ચૂકવવાનો ભારે બોજ આવી શકે છે. આને ધ્યાનમાં રાખીને અદાલતે કેન્દ્ર સરકાર અને રાજ્યોને દેશવ્યાપી જાગૃતતા અભિયાન ચલાવવાની સલાહ આપી.
સુપ્રીમ કોર્ટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા તમામ રાજ્યોનાં પરિવહન વિભાગોને કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા વ્યાપક જનજાગૃતતા અભિયાન ચલાવે. અદાલતે સૂચન આપ્યું કે લોકોને માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ રાખવા અને સમય પર તેનું રિન્યુ કરવાનાં મહત્વ વિશે જાગૃત કરવામાં આવે.

