પેટ્રોલપંપ નજીક બાંધકામ સાઈટ પરથી લાશ મળતા ફોરેન્સિક પીએમ કરાવવા તજવીજ મૃતક પરપ્રાંતિય હોવાની શંકા, પોલીસ તપાસનો ધમધમાટ
Rajkot તા.૧૫ઃ
શહેરના રેલનગરમાં આવેલ પેટ્રોલપંપ નજીક બાંધકામ સાઈટ પરથી યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. યુવાનની હત્યા કરી મૃતદેહને જાહેરમાં ફેંકી દેવાયાની આશંકાને પગલે પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ આદરી છે.
મળતી વિગત મુજબ, રેલનગરમાં સ્થાનિક લોકો દ્વારા પેટ્રોલપંપની સામે એક યુવક બેભાન અથવા મૃત હાલતમાં પડ્યો હોવાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પ્ર. નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી હતી. મૃતક યુવકની ઉંમર આશરે ૩૫ વર્ષની હોવાનું અનુમાન છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવક પરપ્રાંતીય છે અને તે આ વિસ્તારમાં મજૂરી કે અન્ય કામકાજ અર્થે આવ્યો હોઈ શકે છે.
મૃતક યુવક કોણ છે, ક્યાંનો વતની છે અને રેલનગર વિસ્તારમાં તે કેવી રીતે પહોંચ્યો તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. પોલીસે યુવકની ઓળખ મેળવવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની અને સ્થાનિક શ્રમિકો તેમજ રહીશોની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી છે.
તેમજ પોલીસના જણાવ્યા અનુસાર, મૃતદેહનું પ્રાથમિક નિરીક્ષણ કરતા તેના શરીર પર કોઈ દેખીતા કે ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા નથી. જો કે, જે સંજોગોમાં લાશ મળી આવી છે તે જોતાં પોલીસ કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતી નથી. આથી, મોત પાછળનું સાચું કારણ અને આ મામલો હત્યાનો છે કે અન્ય કોઈ ઘટનાનો, તે સ્પષ્ટ કરવા માટે મૃતદેહને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસ આ કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવશે. ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે અને તે આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.

