Junagadh,તા.૩૧
જો તમે તમારા સંતાનોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મોકલવાની યોજના ઘડી રહ્યા હોવ તો એજન્સી કે વ્યક્તિ મારફતે અભ્યાસથી લઈને રહેવાની તમામ વ્યવસ્થા કરવાનું વચન આપનાર વ્યક્તિ અથવા એજન્સી સાથે વ્યવહાર કરતી વખતે ખૂબ જ કાળજી રાખજો. નહીંતર તમારી પરસેવાની મૂડી અને સંતાનના અભ્યાસનું સ્વપ્ન બરબાદ થઈ શકે છે.
આવો જ એક છેતરપિંડીનો કિસ્સો જૂનાગઢ શહેરમાં સામે આવ્યો છે. વર્ષ ૨૦૨૨માં ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા અપાવવાના નામે ૭૦ લાખ રૂપિયા લઈને એડમિશન ન કરાવીને પૈસા પરત ન આપવાની ફરિયાદ જૂનાગઢ પોલીસમાં નોંધાઈ છે.
જૂનાગઢમાં રહેતા રાકેશ ધુલેશિયા અને હરેશ સાકરીયાએ પોતાના સંતાનોને ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ માટે મોકલવાનો નિર્ણય કર્યો હતો. આ માટે ગાંધીનગરના કોલવડા વિસ્તારમાં રહેતા અને મોટેરા વિસ્તારમાં સ્ટુડન્ટ વિઝાની ઓફિસ ધરાવતા અજયસિંહ વાઘેલા સાથે સંપર્ક થયો હતો.
પંકજ નામના વ્યક્તિએ બંને વાલીઓનો અજયસિંહ વાઘેલા સાથે સંપર્ક કરાવ્યો હતો. અજયસિંહ વાઘેલા જૂનાગઢ આવીને બંને વાલીઓ સાથે બેઠક કરી હતી અને સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન આશરે ૭૦ લાખ રૂપિયાનો ખર્ચ થવાની વિગતો આપી હતી. ત્યારબાદ અજયસિંહે બંનેને મોટેરામાં આવેલી પોતાની ઓફિસમાં બોલાવ્યા હતા. ત્યાં એક સેમેસ્ટરના ૯ લાખ અને આખા અભ્યાસના ૭૦ લાખ રૂપિયાનો ખર્ચ થવાની માહિતી આપી હતી. વિશ્વાસમાં આવેલા હરેશ સાકરીયાએ ૭૦ લાખ અને રાકેશ ધુલેશિયાએ ૨૧ લાખ રૂપિયા અજયસિંહ વાઘેલાએ આપેલા બેન્ક ખાતામાં જમા કરાવ્યા હતા.
પોતાના સંતાનોનું ઓસ્ટ્રેલિયામાં એડમિશન થઈ જશે તેવા ભરોસા સાથે બંને વાલીઓએ પૈસા આપ્યા હતા. પરંતુ કામ પૂરું ન થતાં તેઓએ પૈસા પરત માગ્યા. જેના જવાબમાં અજયસિંહ વાઘેલાએ રાકેશ ધુલેશિયાને ૧૦ લાખ અને હરેશ સાકરીયાને ૫ લાખ રૂપિયા પરત આપ્યા હતા. બાકીના ૬૫ લાખ રૂપિયા હરેશ સાકરીયા અને ૧૧ લાખ રૂપિયા રાકેશ ધુલેશિયાના પરત કરવાના બાકી હતા. ત્યારબાદ અજયસિંહ વાઘેલાએ તમામ સંપર્ક સૂત્રો અને ઠેકાણાં બંધ કરી દીધાં. છેવટે જૂનાગઢ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

