‘‘લગ્ન પહેલા આવી રીતે ઘરે રોકાવા ન અવાય’’ તેમ કહેતા ઝઘડો થયો, મનમાં લાગી આવતા કર્યો આપઘાતનો પ્રયાસ
Rajkot તા.૧
શાપર-વેરાવળના ભીમનગર વિસ્તારમાં યુવતીનો ઘરે રોકાવવા બાબતે મંગેતર સાથે ઝઘડો થતાં આવેશમાં આવીને ફિનાઇલ પી લેતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ, શાપર- વેરાવળના ભીમનગર ગેટ પાસે રહેતી સંજનાબેન રમેશભાઈ જાદવ (ઉં ૧૯) ગઈકાલે રાત્રે આશરે ૯૩૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતી ત્યારે તેમણે ફિનાઇલ ગટગટાવી લીધું હતું, બનાવની જાણ પરિજનોને થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પરિવારના જણાવ્યા અનુસાર, સંજનાની છેલ્લા છ મહિનાથી સાહિલ નામના યુવક સાથે સગાઈ થઈ છે. છેલ્લા પાંચ દિવસથી સાહિલ સંજનાના ઘરે રોકાવા આવ્યો હતો. ‘‘સંજનાએ લગ્ન પહેલા આવી રીતે ઘરે રોકાવા ન અવાય’’ તેમ કહી વિરોધ કરતા બંને વરચે બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનમાં લાગી આવતા સંજનાએ ફિનાઇલ પી લીધું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સંજના કારખાનામાં કામ કરે છે અને તેના પિતા પણ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સંજના બે બહેન એક ભાઇમાં મોટી છે. બનાવ અંગે શાપર પોલીસ યુવતીનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.

