(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧
Jamnagarના યાદવનગર વિસ્તારમાં રહેતી અને પરિશ્રમ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી નિતાબેન વિજયભાઈ મહેતાએ ટ્રકચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાતા ઈજા પહોંચ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
ફરિયાદ મુજબ, તા. ૨૫ જુલાઈના રોજ બપોરે આશરે ૧૨૧૫ વાગ્યે નિતાબેન પોતાના એક્ટિવા (જીજે-૧૦-બીડી-૬૧૧૬) પર યાદવનગર તરફ નોકરીએ જઈ રહ્યા હતા. તે દરમિયાન બેડી રિંગ રોડ પર એક પેટ્રોલ પંપ નજીક પાછળથી આવેલા ટ્રક (જીજે-૨૧-વી-૮૫૩૪)ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી.અકસ્માતમાં નિતાબેન રસ્તા પર પટકાતાં તેમના માથામાં, જમણા હાથમાં તથા ડાબા પગમાં ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, સારવાર દરમિયાન સમાધાન માટે વાતચીત ચાલી રહી હોવાથી તે સમયે પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. જોકે સમાધાન ન થતાં હવે ટ્રકના ચાલક કિશોરભાઈ કરશનભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે ફરિયાદના આધારે ટ્રકચાલક કિશોરભાઈ કરશનભાઈ વાઘેલા સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી ઈજા પહોંચાડવાના ગુનામાં વધુ તપાસ હાથ ધરી છે.

