પાંચ સ્થળેથી કુલ રૂ. ૪૫,૯૦૫નો મુદ્દામાલ કબજે, જુગારધારા હેઠળ પાંચ ગુના નોંધાયા
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧
જયા પાર્વતીના જાગરણની રાત્રે જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા જુગાર વિરોધી ઝુંબેશ ચલાવી પાંચ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. ગણપતનગર, દરેડ જીઆઈડીસી, દરેડ ગામ તથા સંગમબાગ વિસ્તારમાં જાહેરમાં ચાલતા તીનપત્તી અને એકી-બેકીના જુગારનો પર્દાફાશ કરી બે મહિલા સહિત કુલ ૧૬ જુગારિયાઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તમામ સ્થળોએ મળી કુલ રૂ. ૪૫,૯૦૫નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ અલગ-અલગ ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગણપતનગરના આરો બિલ્ડિંગ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી ’સી’ ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કોડે દરોડો પાડી ખેતશીભાઈ જીણાભાઈ પરમાર, રાજુ જેન્તીભાઈ સોલંકી, અર્જુનભાઈ પરસોતમભાઈ સોલંકી, મધુબેન પરસોતમભાઈ સોલંકી અને જીવીબેન વિજયભાઈ સિંગરખીયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ, ૫૨ ગંજીપત્તાના પાનાં તથા એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧૦,૯૫૦નો મુદ્દામાલ કબજે કરી જાહેર જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.
પંચકોશી ’એ’ ડિવિઝન પોલીસે દરેડ જીઆઈડીસીના શિવમ પાર્ક શેરી નં. ૪ પાસે જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડી મુખ્યાઝ માસુક અલી, મોહસીન શાકીર અંસારી અને ઝાકીર બાદુલી હુસેનને ઝડપી પાડ્યા હતા. ત્રણેય હાલ દરેડમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રૂ. ૧૧,૨૦૦ની રોકડ તથા ૫૨ ગંજીપત્તાના પાનાં કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
પંચકોશી ’બી’ ડિવિઝન પોલીસે દરેડ ગામે મુરલીપર પેટ્રોલપંપ પાછળ જાહેરમાં રમાતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડી શાકીર સમીર શાહ, અરુણકુમાર નરેન્દ્રકુમાર શોધે અને રાજકુમાર ઉર્ફે ભોલા વિપાલસિંગ લોધને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. ૩,૪૫૦ની રોકડ તથા ૫૨ ગંજીપત્તાના પાનાં કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સીટી ’એ’ ડિવિઝન પોલીસે સંગમબાગ પાસે સાધના કોલોની પહેલાં આવેલા ઢાળિયા નજીક ભારતીય ચલણી નોટોના નંબર ઉપર રમાતા એકી-બેકીના જુગારનો પર્દાફાશ કરી જગદીશ ઉર્ફે બાટવા વિષ્ણુભાઈ ગજરા અને સુનીલ ફેડુમલ નાગરાણીને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પાસેથી કુલ રૂ. ૧૦,૧૫૫નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો અને બી.એન.એસ.એસ.ની જોગવાઈ મુજબ નોટિસ આપી મુક્ત કર્યા હતા.
સીટી ’એ’ ડિવિઝન પોલીસની અન્ય એક કાર્યવાહીમાં પણ સંગમબાગ વિસ્તારમાં જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમાડતા જગદીશ ઉર્ફે બાટવા વિષ્ણુભાઈ ગજરા અને સુનીલ ફેડુમલ નાગરાણી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂ. ૧૦,૧૫૫નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

