Rajkot તા.૧
Rajkot કલેક્ટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજિત કરાયેલા જન્માષ્ટમીના લોકમેળાના ૨૨૮ સ્ટોલ પ્લોટ માટે ૫૩૪ ફોર્મ સબમીટ વેપારીઓએ કરાવેલ છે.જો કે આ વખતે રમકડાના સ્ટોલ માટે વેપારીઓએ નિરૂત્સાહ બતાવેલ છે.
લોકમેળામાં દર વર્ષે ભારે આકર્ષણ જમાવતા રમકડાંના ૧૦૦ સ્ટોલ સામે માત્ર ૯૫ ફોર્મ જ ભરાયા છે. જેટલા સ્ટોલ ઉપલબ્ધ છે તેના કરતાં પણ ૫ ફોર્મ ઓછા આવ્યા છે. આ સ્થિતિને કારણે તંત્રએ રમકડાંના સ્ટોલ માટે કોઈપણ પ્રકારની હરરાજી (હરાજી) કરવાની જરૂર રહેશે નહીં. અરજી કરનાર તમામ ૯૫ વેપારીઓને સીધી જ ફાળવણી કરી દેવામાં આવશે,
જ્યારે બાકી રહેલા ૫ સ્ટોલ અંગે તંત્ર આગામી નિર્ણય લેશે.એક તરફ રમકડાંના સ્ટોલમાં મંદ ઉત્સાહ જોવા મળ્યો, તો બીજી તરફ નાના બાળકો માટેની ’નાની ચકરડી’ના પ્લોટ મેળવવા માટે સંચાલકો વચ્ચે ભારે ઘસારો જોવા મળ્યો છે.માત્ર ૨૪ પ્લોટ સામે ૨૦૬ જેટલી મોટી સંખ્યામાં ફોર્મ આવતા આ વિભાગમાં ભારે હરીફાઈ સર્જાઈ છે. હવે આ પ્લોટની ફાળવણી માટે તીવ્ર સ્પર્ધા અને હરરાજી થશે.લોકમેળાના ફોર્મ વિતરણ અને પરત સ્વીકારવાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે ડ્રો અને હરાજીનો ધમધમાટ શરૂ થશે. કેટેગરી – બી રમકડા, કેટેગરી-સી નાની ખાણીપીણી, કેટેગરી-જે મધ્યમ ચકરડી અને કેટેગરી-કે નાની ચકરડીના સ્ટોલ-પ્લોટ માટે સોમવારે હરાજી થશે. જ્યારે અન્ય સ્ટોલ-પ્લોટની હરાજીની તારીખોમાં અગાઉ જાહેર કરેલા મુજબ જ હરાજી યોજાશે તેમ લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેક્ટર રાજકોટ શહેર-૧ દ્વારા જણાવાયું છે.

