Vadodara,તા.૧
Vadodara શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદી, તળાવ અને ડેમોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલોલ પાવાગઢ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ છે. જોકે હાલ નદીનું લેવલ ભયજનક સપાટીથી ઘણું નીચે હોવાથી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ પાણી ભરાવાના કારણે વડોદરાની સુમન દીપ વિદ્યાપીઠની હોસ્ટેલમાંથી ૧૫૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
હાલોલ અને પાવાગઢ વિસ્તારમાં ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક વધી છે. નદીનું જળસ્તર વધીને ૧૫ ફૂટ સુધી પહોંચી ગયું છે. જોકે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી ૨૮ ફૂટ છે. હાલ નદીનું પાણી ભયજનક સપાટીથી નીચે હોવાથી કોઈ ચિંતાની સ્થિતિ નથી. તંત્ર દ્વારા નદીના પ્રવાહ અને પાણીના સ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે.
વડોદરાના આજવા સરોવરમાં પણ વરસાદના કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે ડેમ અને સરોવરમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. તંત્ર દ્વારા પાણીની સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી કોઈ મુશ્કેલી ઊભી થાય નહીં.
વડોદરા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ મોડી રાત્રે દેવ ડેમની મુલાકાત લીધી હતી. તેમણે ડેમ ખાતે ચાલી રહેલી ગેટ ઓપરેશનની કામગીરી અને હાલની સ્થિતિની માહિતી મેળવી હતી. ઉપરવાસમાં વરસાદના કારણે વધી રહેલા પાણીના પ્રવાહની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કોઈ કપરી પરિસ્થિતિ ન સર્જાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
વડોદરાની સુમન દીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં વરસાદી પાણી ભરાતા તંત્ર દોડતું થયું હતું. મધ્યરાત્રિના ૩ વાગ્યે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમે મળીને ૧૦૦ છાત્રા, ૪૦ છાત્રો અને ૧૦ શ્રમિકો સહિત કુલ ૧૫૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. સમયસરની કામગીરીથી તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
વડોદરા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વડોદરા શહેરમાં ૩.૩૬ ઇંચ વરસાદ થયો છે. જ્યારે શિનોરમાં ૬ ઇંચ, ડભોઈમાં ૫.૧૬ ઇંચ, ડેસરમાં ૪ ઇંચ, વાઘોડિયામાં ૩.૩૭ ઇંચ, સાવલીમાં ૨.૭૬ ઇંચ, કરજણમાં ૨.૬૪ ઇંચ અને પાદરામાં ૨.૨૦ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે.

