આરોપીના કપડા ઉપર ઈજા પામનારની લોહીની હાજરી પ્રસ્થાપિત થયાનો પુરાવો
Rajkot તા.૩
શહેરના ચુનારાવાડ વિસ્તારમાં નજીવી બાબતે છરીથી જીવલેણ હુમલામાં ગંભીર ઈજા પહોંચાડવાના કેસમાં સેશન્સ અદાલતે આરોપી સમીર ઉર્ફે સની રમેશભાઈ પવાર ત્રણ વર્ષની સખત કેદની સજા તથા દંડ ફરમાવેલ છે.વધુ વિગત મુજબ શહેરમાં તા. ૦૭/ ૦૬/ ૨૦૧૮ના રોજ રાત્રીના સુનીલ અશોકભાઈ કુબાવત તેના મિત્ર મહેશભાઈ ચુનારાવાડા ચોક પાસે ડાભી હોટલ બરફના કારખાને બેઠા હતા, ત્યારે વિજય નાથાભાઈનો છોકરો બાઠીયો(જુવેનાઈલ) તથા સમીર રમેશ પવાર ઉર્ફે સની બંનેએ ગાળાગાળી સાથે ઝપાઝપી કરી છરીના આડેધડ ઘા ઝીંકી બંનેને ગંભીર ઈજા પહોંચાડી બંને ત્યાંથી ભાગી ગયેલા. ગંભીર ઇજા પામેલા સુનિલભાઈ અને મહેશને લોહી લોહાણ હાલતમાં પ્રથમ ગુંદાવાડી હોસ્પિટલ ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડ્યા હતા. દરમિયાન સુનિલભાઈને વધુ ઈજા થયેલ હોય તેનું ઓપરેશન કરવામાં આવેલ હતું.
સુનિલભાઈએ થોરાળા પોલીસે આઈ.પી.સી. કલમ-૩૦૭ વિગેરે હેઠળ ફરીયાદ નોંધાવેલી હતી. આ બનાવના સગીર આરોપીને જુવેનાઇલ કોર્ટને હવાલે કરવામાં આવ્યો હતો. આરોપી સમીર ઉર્ફે સની સામેનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ હાજર થયેલા અને કુલ ૨૪ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખેલા અને ૧૧ સાહેદોને તપાસેલા હતા. ત્યારબાદ સરકારી વકીલે એવી દલીલો કરેલી કે આ કામમાં ફરીયાદી પોતે ઈજા પામનાર નજરે જોનાર સાક્ષી છે, તેઓએ કોર્ટમાં ફરીયાદ અને બનાવ અનુસાર જુબાની આપેલ છે તથા આરોપી અને છરી ઓળખી બતાવેલ છે.
નાની બાબતમાં જે રીતે પડખાના ભાગે છાતીમાં છરી મારેલી છે તે ગંભીર પ્રકારની ઈજા છે અને મારી નાખવાના ઈરાદે કરવામાં આવેલી છે. સ્થાનિક જગ્યાનું એફ.એસ.એલ. પરીક્ષણ કરનાર સાહેદે પણ પ્રોસિકયુશનને મદદરૂપ થાય તે રીતની જુબાની આપેલી હતી. હાલના આરોપીના કપડા ઉપર ઈજા પામનારનું બ્લડ આવેલ હોય જેથી આરોપીની હાજરી બનાવ સમયે પ્રસ્થાપિત થાય છે. આરોપીના વિશેષ નિવેદનમાં આરોપીએ સિમ્પલ ડિનાઈલ લીધેલ છે, કોઈપણ જાતનો બચાવ લીધેલ નથી કે બચાવપક્ષના સાક્ષીને તપાસેલ નથી. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના કુલ ૨૧ ચુકાદાઓ રજુ કર્યા હતા, જે ધ્યાને લઈ સેશન્સ કોર્ટે આરોપી સની રમેશ પવારને આઈ.પી.સી. કલમ-૩૨૪ હેઠળ ૦૩ વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૨૫,૦૦૦નો દંડ ફરમાવેલ હતો, અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ હતો.આ કામે સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ તથા બીનલ એ. રવેશીયા રોકાયેલ હતા.

