Mumbai, તા. 4
જસપ્રીત બુમરાહના શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયાં પછી ભારતીય ખેલાડીઓની ઈજા વ્યવસ્થાપન વ્યવસ્થા અને બેંગલુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (સીઓઆઈ)ની ભૂમિકા પર સવાલો ઊભા થઈ ગયા છે.
પસંદગી સમિતિને પહેલાં જણાવવામાં આવ્યું હતું કે, બુમરાહ ઉપલબ્ધ રહેશે, પરંતુ બાદમાં તેમની ઈજા અપેક્ષા કરતાં વધુ ગંભીર જણાવવામાં આવી. બુમરાહની ઉપલબ્ધતા અંગે મળેલાં વિરોધાભાસી સંકેતોથી નારાજ પસંદગીકારોએ સોમવારે સીઓઆઈના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી. બેઠકમાં વીવીએસ લક્ષ્મણ, પસંદગી સમિતિ અધ્યક્ષ અજિત આગરકર અને બીસીસીઆઈ સચિવ દેવજીત સાઈકિયા સામેલ થયા.
ચર્ચાનો મુખ્ય વિષય ખેલાડીઓની ફિટનેસ, ઈજા વ્યવસ્થાપન અને ‘રિટર્ન ટુ પ્લે’ પ્રક્રિયા રહ્યો. બીસીસીઆઈમાં નિતિન પટેલના ગયા પછી સ્પોર્ટ્સ સાયન્સ વિભાગનાં પ્રમુખનું પદ ખાલી છે અને વચગાળાનાં પ્રમુખ ધનંજય કૌશિકની કાર્યપ્રણાલી પણ ચર્ચામાં છે. સવાલો ઉઠી રહ્યાં છે કે ખેલાડીઓની વાપસીની સમયમર્યાદા નક્કી કરવા અને ફિટનેસ આકલન કરવામાં ક્યાંક ચૂક તો નથી થઈ રહી.
હર્ષિત રાણાની ફરી ઉભરેલી હૈમસ્ટ્રિંગ ઈજા, વાશિંગ્ટન સુંદરની સતત માંસપેશીઓની સમસ્યા અને નીતિશ કુમાર રેડ્ડીના વારંવાર ઈજાગ્રસ્ત થવાની ઘટનાઓએ પણ સ્પોર્ટ્સ સાયન્સ ટીમની કાર્યપ્રણાલી પર સવાલો વધાર્યા છે.
ટીમ ફિઝિયો કામેશ જૈનની ભૂમિકા પણ સમીક્ષાના દાયરામાં જણાવવામાં આવી રહી છે. આવા સમયમાં કેટલાક કઠોર નિર્ણયો લેવાઈ શકે છે.

