Kolkata, તા.5
દેશમાં હાલમાં જ વંદેમાતરમના ગાયન અંગેના નિયમો જાહેર કરાયા છે અને રાષ્ટ્રગીતનો પણ દરજજો અપાયો છે તે વચ્ચે પશ્ચિમ બંગાળમાં મદ્રેસાઓમાં વંદેમાતરમની તમામ છ પંક્તિઓ ગાવા સામે થયેલી રિટમાં હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે મદ્રેસામાં વંદેમાતરમ જો ગાવામાં આવે તો કોઈ આભ તૂટી પડશે નહી.
કોલકતા હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તાપબ્રત ચક્રવર્તીએ આ અંગેની રિટ સામેની સુનાવણી સમયે જણાવ્યું કે હજારો ઈસાઈ એટલે કે ક્રિશ્ચીયન સ્કુલો પણ છે જયાં તમામ વિદ્યાર્થીઓને ઈશ્વરની પ્રાર્થના કરવાનું કહેવામાં આવે છે તો શું અન્ય ધર્મના વિદ્યાર્થીઓ તેમાં કોઈ પ્રશ્ન ઉઠાવે છે તે જ રીતે મદ્રેસાઓમાં જો વંદેમાતરમ ગાવામાં આવે તો કોઈ આભ તૂટી પડશે નહી.
આ અંગેની એક જાહેર હિતની અરજીમાં ધારાશાસ્ત્રી વિકાસ રંજન ભટ્ટાચાર્યએ સરકારના એ જાહેરનામાને પડકાર્યુ છે જેમાં તમામ શાળાઓમાં વંદેમાતરમની છ પંક્તિઓ ગાવાનું ફરજીયાત કર્યુ છે. તેઓએ દલીલ કરી હતી કે દેશમાં બંધારણ અપનાવતા સમયે એવું કહેવામાં આવ્યું હતું કે વંદેમાતરમની બે પંક્તિઓ ગાવી યોગ્ય ગણાશે.
કોઈ છ પંક્તિઓ ગાવા ઈચ્છતુ હોય તો વાંધો નથી પણ તે ફરજીયાત બનવું જોઈએ. તેમની દલીલ હતી કે જો આ પ્રકારે દબાણ લવાશે તો સાંપ્રદાયિક માહોલ બગડશે. કોઈ ગાવાનો ઈન્કાર કરે તો જેલ જવુ પડશે.
કોલકતા હાઈકોર્ટના ન્યાયમૂર્તિએ કહ્યું કે હજુ સુધી તો વંદેમાતરમ નહી ગાનાર સામે કોઈ કાર્યવાહી થઈ નથી. જયારે રાજય સરકાર વતી રજુ થયેલા ધારાશાસ્ત્રીએ નોટીફીકેશન સામે સ્ટેનો વિરોધ કરતા કહ્યું કે વાસ્તવમાં પબ્લીસીટી સ્ટંટ માટે જ આવી અરજી કરાઈ રહી છે.

