Rajkot,તા.૫
રાજકોટ શહેરમાં નાગરિકોને પીવાના પાણીમાં થઈ રહેલી મુશ્કેલીઓ અને દૂષિત પાણીના વિતરણને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં અવારનવાર પીવાના પાણીમાં ગંદકી કે દૂષિત પાણી આવવાની ફરિયાદો ઉઠતી રહે છે, ત્યારે હવે ખુદ રાજકોટના મેયરે આ વાતનો જાહેરમાં સ્વીકાર કર્યો છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે.
રાજકોટના મેયર ડૉ. નેહલ શુકલે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે, રાજકોટ શહેરના અમુક વિસ્તારોમાં ખરેખર દૂષિત પાણીનું વિતરણ થાય છે.
મેયરે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪થી દર મહિને વોર્ડ પ્રમાણે પાણીની ગુણવત્તાનો ડેટા લેવામાં આવે છે અને પારદર્શિતા જાળવવા માટે આ તમામ ડેટા રાજકોટ મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવે છે.
મેયરે દૂષિત પાણી આવવા પાછળના કારણોની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ચોમાસાની સિઝનમાં નદી-નાળાઓમાં પાણી આવવાને કારણે કુદરતી રીતે પાણી દૂષિત થાય છે. જોકે, તંત્ર દ્વારા ફિલ્ટરેશન કરીને જ પાણીનું વિતરણ કરવામાં આવે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ચોમાસા પહેલા અથવા અન્ય દિવસોમાં જ્યાં દૂષિત પાણી આવે છે, ત્યાં મોટે ભાગે જૂની પાણીની પાઇપ લાઇનો જવાબદાર હોય છે, જેમાં ડ્રેનેજનું પાણી ભળી જવાની સમસ્યા સર્જાય છે.
જ્યાં નવી પાઇપલાઇનો નાખવામાં આવી છે, ત્યાં પણ દૂષિત પાણી આવવાની ફરિયાદો અંગે મેયરે જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ લોકો પોતાની રીતે ગેરકાયદે કનેક્શન મેળવી લે છે. આ ગેરકાયદે કનેક્શનના લીધે મુખ્ય પાઇપ લાઈનમાં તિરાડો પડી જાય છે, જેના કારણે ડ્રેનેજનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જાય છે, અને નાગરિકો સુધી દૂષિત પાણી પહોંચે છે.

