રણજીતસાગર રોડ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં પશુપાલન વિભાગે હાથ ધરી તપાસ, નાગરિકોને સતર્ક રહેવા સૂચના
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૫
જામનગર શહેરના રણજીતસાગર રોડ વિસ્તારમાં કેટલીક ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો હોવાનું કહેવાતાં પશુપાલન વિભાગ સતર્ક બન્યું છે. પશુ રોગ સંશોધન એકમની ટીમે સ્થળ પર પહોંચી વિવિધ સોસાયટીઓમાં તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ દરમિયાન લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતું એક પણ પશુ મળી આવ્યું ન હોવાનું પશુપાલન વિભાગે સ્પષ્ટ કર્યું છે.
મળતી માહિતી મુજબ, રણજીતસાગર રોડ ઉપર આવેલી પટેલ પાર્ક, પટેલનગર, જડેશ્વર પાર્ક સહિતની સોસાયટીઓમાં કેટલીક ગાયોના શરીર પર ગાંઠો જોવા મળતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી અને તંત્ર દ્વારા તપાસ કરવાની માંગ ઉઠી હતી. આ અંગે પશુ રોગ સંશોધન એકમના ડો. સીસોદિયા તથા તેમની ટીમે સ્થળ પર પહોંચી વિસ્તારમાં ફરતી તેમજ માર્ગ ઉપર બેસેલી ગાયોની તપાસ કરી હતી. ઉપરાંત ગાયોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.જિલ્લા પશુપાલન વિભાગના નાયબ નિયામક ડો. તેજસ શુક્લએ જણાવ્યું હતું કે, વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતું એક પણ પશુ મળી આવ્યું નથી.
તેમ છતાં તકેદારીના ભાગરૂપે વિસ્તારના વેપારીઓ અને રહેવાસીઓને લમ્પી રોગના લક્ષણો અંગે માહિતગાર કરવામાં આવ્યા છે.તેમણે અપીલ કરી છે કે, જો કોઈ ગાય અથવા અન્ય પશુમાં શરીર પર ગાંઠો, તાવ અથવા લમ્પી રોગના શંકાસ્પદ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક જામનગરના સરુ સેક્શન રોડ સ્થિત પશુ દવાખાનાનો સંપર્ક કરીને જાણ કરવી, જેથી સમયસર જરૂરી કાર્યવાહી અને સારવાર કરી શકાય.

