(નયના દવે દ્વારા)
Jamnagar તા.૫
જામનગર શહેરના રણજીતનગર વિસ્તારની વતની અને હાલ પિયરમાં રહેતી રીનાબેન હસમુખભાઈ અઘેડાએ પોતાના પતિ રવિ ચંપકભાઈ ભટ્ટી, સસરા ચંપકભાઈ ભટ્ટી, કાકાજી સસરા દિનેશભાઈ શાંતિલાલ ભટ્ટી, નણંદ ડોલીબેન તથા નણંદોયા ઉદયભાઈ નારણભાઈ વાણંદ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. ૨૭ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ જામનગર ખાતે કોર્ટ મેરેજ થયા બાદ તે રાજકોટ ખાતે પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્ન બાદ થોડા સમયથી જ પતિ નાની-નાની બાબતોમાં ઝઘડા કરી ગાળો આપતા, શંકા-કુશંકા રાખતા અને લગ્ન પહેલાં પોતાના પ્રથમ લગ્નથી એક પુત્ર હોવાનું તેમજ અન્ય મહત્વની વિગતો છુપાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત ઘરખર્ચ માટે પૂરતા પૈસા ન આપતા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ અનુસાર સસરા ઘરની બહાર જવા બાબતે રોકટોક કરતા, કાકાજી સસરા ઘરના મામલામાં દખલગીરી કરી ચડામણી કરતા, જ્યારે નણંદ અને નણંદોયા પણ પતિને ઉશ્કેરી ઝઘડા કરાવતા અને ઘરકામ જેવી બાબતોમાં ત્રાસ આપતા હતા. સતત શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસને કારણે ફરિયાદી લગભગ દસ મહિના પહેલાં પિયર જામનગર આવી ગઈ હતી.ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશન તથા પોલીસ અધિક્ષકને અરજી કરીને સમાધાન અને કાઉન્સેલિંગના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ સમાધાન ન થતાં આખરે ફરિયાદીએ પોતાના પિતાની હાજરીમાં સાસરીયાઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ સંબંધિત કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

