Maharashtra,તા.6
મહારાષ્ટ્રમાં રેસિડેન્ટ ડોકટરોની હડતાલ બુધવારે પણ ચાલુ રહી હતી. આ ડોકટરો મહારાષ્ટ્ર સરકારના એ ફેસલાનો વિરોધ કરી રહ્યા છે, જેમાં બીએચએમએસ સીસીએમપી એટલે કે હોમિયોપેથી ડીગ્રીની સાથે 1 વર્ષનો સર્ટીફીકેટ કોર્સ કરનારા ડોકટરોને એલોપથી દવા લખવાની મંજૂરી આપવામાં આવી છે.
એમબીબીએસ ડોકટરોનું કહેવું છે કે, આ ખતરનાક છે. હવે ડોકટરોના વિરોધમાં હવે આઈએમએની પણ એન્ટ્રી થઈ ગઈ છે. અને આઈએમએ ઈન્ડિયન મેડીકલ એસોસીએશને દેશવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે.
એમબીબીએસ ડોકટરોનું કહેવું છે કે, માત્ર 1 વર્ષનો કોર્સ કર્યા બાદ હોમિયોપેથીક ડોકટરોને એલોપેથીક દવા લખવાની મંજૂરી આપવી દર્દીઓની તબીયત માટે ખતરનાક છે. ડોકટરોનો આરોપ છે કે આથી ડબલ રજીસ્ટ્રેશનને પ્રોત્સાહન મળશે અને મેડીકલ પ્રેકટીસના સ્ટાન્ડર્ડ નીચા જશે.
હાલ મુંબઈમાં 12 હજાર જુનીયર ડોકટરો હડતાલ પર છે. જેના કારણે સરકારી હોસ્પીટલોમાં રૂટીન ઓપીડી અને આઈપીડી સેવાઓ બંધ રહી હતી. ઈલેકટ્રીક સર્જરી અને સેન્ટ્રલ લેબની સેવાઓ ઠપ્પ રહી હતી. મહારાષ્ટ્ર એસોસીએશન ઓફ રેસીડેન્ડ ડોકટર્સે કહ્યું છે કે હડતાલ હવે અનિશ્ચિત કાળની રહેશે.

