શહેરની ૧૧ પેઢીઓમાં તપાસ : એક પેઢીમાંથી ૫ કિલો અખાદ્ય પનીર, ૨ કિલો ચીઝનો નાશ કરાયો
Mehsana, તા.૮
ગુજરાત સરકારે એનાલોગ પનીર, ચીજ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વપરાશ પર સમગ્ર રાજ્યમાં તત્કાલ અસરથી સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે ત્યારે શુક્રવારે મહેસાણામાં ફૂડ વિભાગ દ્વારા વિવિધ એકમોમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં અખાદ્ય જણાયેલા ૫ કિલો પનીર અ્ને ૨ કિલો ચીજનો નાશ કરાયો હતો.
ગુજરાતમાં લાલચુ ઉત્પાદકો, વેપારીઓ, હોટલ-રેસ્ટોરન્ટ માલિકો દ્વારા દૂધમાંથી બનાવેલા પનીર-ચીજ-બટરના સ્થાને વેજિટેબલ ઓઈલ વગેરેથી બનાવેલું પનીર-ચીજ-બટરનો વિવિધ નાસ્તા કે ખાવાની ડીશોમાં બેફામ ઉપયોગ કરવામાં આવતો હતો. આ એનાલોગ પનીર, ચીજ અને બટર ખાવાથી લોકોના સ્વસ્થ્ય પર ગંભીર અસર થતી હોવાથી મહારાષ્ટ્ર અને છત્તીસગઢ બાદ બે દિવસ પહેલાં ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા પણ રાજ્યભરમાં એનાલોગ (વેજિટેબલ ઓઇલ/સ્ટાર્ચમાંથી બનતા નકલી કે ડેરી મુક્ત) પનીર, ચીજ અને બટર બનાવવા, પેકિંગ કરવા, સંગ્રહ કરવા, હેરફેર કરવા, વેચવા તેમજ હોટલ-રેસ્ટોરન્ટમાં વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.
જે મુજબ હોટલ, રેસ્ટોરન્ટ, ક્લાઉડ કિચન, ડેરી પાર્લર, સુપરમાર્કેટ, કેટરર્સ અને તમામ વેપારીઓને માત્ર દૂધમાંથી જ બનેલી અસલી ડેરી પ્રોડક્ટ્સ વાપરવા અને વેચવા આદેશ અપાયો છે તેમજ ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ એક્ટ ૨૦૦૬’ હેઠળ આ આદેશનો ભંગ કરનાર સામે ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરાઈ છે. જેથી મહેસાણા જિલ્લા ફૂડ અધિકારી વી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ શુક્રવારે ફૂડ વિભાગની ટીમોએ રાધનપુર રોડ સહિત વિવિધ વિસ્તારમાં હોટલ, રેસ્ટોરન્ટ, નાસ્તા હાઉસ અને ડેરી જેવાં ૧૧ એકમોમાં પ્રતિબંધિત એનાલોગ પનીર, ચીજ અને બટરના સંગ્રહ-ઉપયોગ અંગે તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન રાધનપુર રોડ પરના કાલી દુગ્ધાલયમાંથી ૫ કિલો પનીર અને ૨ કિલો ચીજ અનહાઈજેનિક અને અખાદ્ય જણાતાં તે લોકોના ઉપયોગમાં જાય તે પહેલાં કુલ રૂ.૩૦૦૦ કિંતમના આ જથ્થાનો નાશ કરાયો હતો.
ઉલ્લેખનિય છે કે, મહેસાણા જિલ્લામાં અનેક સ્થળે અનહાઈજેનિક અને ભેળસેળવાળી ચીજો વેચાતી હોવા છતાં ફૂડ વિભાગ દ્વારા કોઈ ઠોસ પગલાં લેવાના બદલે સરકારી રેકર્ડમાં દેખાડવા પૂરતી સેમ્પલ લેવા સહિતની કામગીરી કરવામાં આવતી હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં તત્ત્વોને જાણે છૂટ્ટો દોર મળ્યો છે. બુધવારે એક હોટલમાંથી એક સાધુએ ખરીદેલું ભોજન વાસી આવતાં તેમણે ભોજન સાથે ઉચ્ચ અધિકારીની કચેરીએ જઈને રજૂઆત કરતાં ફૂડ વિભાગને તે હોટલમાંથી સેમ્પલ લેવાની ફરજ પડી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે ત્યારે ફૂડ વિભાગે તે અંગેની વિગતો જાહેર કરવામાં પણ આંખ મિચામણાં કર્યાં હતાં.

