New Delhi તા, 18
જર્મન ક્લબ બાયર્ન મ્યુનિક અને આરબી લીપઝિગ વચ્ચે રમાયેલી પ્રી-સિઝન ફ્રેન્ડલી મેચ દરમિયાન એક ચિંતાજનક ઘટના સામે આવી છે. મેચની 88મી મિનિટે બાયર્ન મ્યુનિકનો 23 વર્ષીય સ્ટાર મિડફીલ્ડર જમાલ મુસિયાલા અચાનક જમીન પર ઢળી પડ્યો હતો અને થોડીવાર સુધી ત્યાં જ પડી રહ્યો હતો.
તેને આવી રીતે પડેલો જોઈને સાથી ખેલાડીઓ અને મેડિકલ ટીમ તાત્કાલિક તેની તરફ દોડી ગઈ હતી. પ્રાથમિક સારવાર બાદ તબીબી સ્ટાફે ઈશારો કરીને સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું હતું, જેનાથી ચાહકોને રાહત મળી હતી.
મુસિયાલા બાદમાં કોઈના સહારા વિના પોતે જ ચાલીને મેદાનની બહાર ગયો હતો, જોકે તે થોડો અસહજ અને ચક્કર અનુભવતો દેખાતો હતો. આ મેચમાં તે સેક્નડ હાફમાં સબસ્ટિટ્યૂટ તરીકે ઉતર્યો હતો અને મેચની 81મી મિનિટે તેણે બાયર્ન માટે ગોલ પણ કર્યો હતો.
અતિશય ગરમી આ ઘટનાનું કારણ હોઈ શકે છે. બાયર્ન મ્યુનિકે આ મેચ 3-1થી જીતી લીધી હતી, પરંતુ ક્લબના અધિકારીઓએ તેની તબિયત સારી હોવાનું કહીને હજુ સુધી કોઈ વિસ્તૃત સત્તાવાર મેડિકલ રિપોર્ટ જાહેર કર્યો નથી.
નોંધનીય છે કે, જમાલ મુસિયાલા ગયા વર્ષે ક્લબ વર્લ્ડ કપમાં પેરિસ સેન્ટ-જર્મેન સામેની મેચ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનો પગ ભાંગી ગયો હતો. લાંબા સમય સુધી રમતથી દૂર રહ્યાં બાદ તેણે વર્ષ 2026ની શરૂઆતમાં બુન્ડેસલિગામાં પુનરાગમન કર્યું હતું. તે 2026 ફિફા વર્લ્ડ કપમાં જર્મન ટીમનો એક મહત્વપૂર્ણ ખેલાડી પણ રહ્યો હતો.

