London, તા. 18
લોસ એન્જિલિસ ઓલિમ્પિક 2028 શરૂ થવામાં હજુ બે વર્ષનો લાંબો સમય છે, પરંતુ ટોચનાં ટેનિસ ખેલાડીઓ અત્યારથી જ ચિંતામાં મુકાઈ ગયા છે. ઓલિમ્પિક 2028ની ટેનિસ સ્પર્ધાના શિડ્યુલને લઈને આર્યના સબાલેન્કા, એલેના રિબાકિના, ડેનિલ મેદવેદેવ જેવા અનેક ટોચનાં ખેલાડીઓએ સવાલો ઉઠાવ્યાં છે.
હકીકતમાં, વિમ્બલ્ડન 2028 અને લોસ એન્જિલિસ ઓલિમ્પિકની ટેનિસ સ્પર્ધા વચ્ચે માત્ર ત્રણ દિવસનું અંતર છે. ઉલ્લેખનીય છે કે ત્યારે વિમ્બલ્ડન ફાઇનલ 16 જુલાઈના રોજ રમાશે, જ્યારે ઓલિમ્પિકમાં ટેનિસની મેચો 19 જુલાઈથી શરૂ થઈ જશે.
પેરિસ ઓલિમ્પિકમાં મળ્યો હતો વધુ સમય
2024 પેરિસ ઓલિમ્પિકની ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન પૂર્ણ થયાનાં લગભગ 13 દિવસ પછી શરૂ થઈ હતી. તેનાથી વિપરીત, 2028માં આ અંતર ઘટીને માત્ર ત્રણ દિવસ જ રહી જશે. આની સૌથી મોટી અસર એ ખેલાડીઓ પર પડી શકે છે જેઓ વિમ્બલ્ડનના અંતિમ રાઉન્ડ સુધી પહોંચશે. તેમને તાત્કાલિક યુરોપથી અમેરિકાની લાંબી યાત્રા કરવી પડશે અને ગ્રાસ કોર્ટથી હાર્ડ કોર્ટની પરિસ્થિતિઓમાં ઢળવું પડશે.
ખેલાડીઓની પ્રતિક્રિયાઓ : ગ્રાસ કોર્ટથી હાર્ડ કોર્ટ પર શિફ્ટ થવામાં પડશે મુશ્કેલી
આર્યના સબાલેન્કા… “હું વ્યસ્ત શિડ્યુલથી ખૂબ જ નારાજ છું”
વર્લ્ડ નંબર વન મહિલા સિંગલ્સ ખેલાડી આર્યના સબાલેન્કાએ કહ્યું કે વિમ્બલ્ડન મેન્સ ફાઇનલના માત્ર ત્રણ દિવસ પછી ઓલિમ્પિક શરૂ થવું ખૂબ જ મુશ્કેલ છે. ઓલિમ્પિક ચાર વર્ષમાં એક વાર આવે છે અને ખેલાડીઓને તેની તૈયારી માટે પૂરતો સમય મળવો જોઈએ. હું આ વ્યસ્ત શિડ્યુલથી ખૂબ જ નારાજ છું.
એલેના રિબાકિના… “આ પાગલપન છે, આમાં ફેરફાર જરૂરી છે”
કઝાકિસ્તાનની રિબાકિનાએ કહ્યું કે, આ પાગલપન છે કે વિમ્બલ્ડનના થોડા જ દિવસો પછી ઓલિમ્પિક છે. રિબાકિનાએ આશા વ્યક્ત કરી કે શિડ્યુલમાં ફેરફાર કરી શકાય છે, જેથી ખેલાડીઓ માટે પરિસિ્થતિ વધુ અનુકૂળ બને. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં પણ કાર્યક્રમમાં ફેરફારો થયા છે.
ઇગા શ્વિઓંતેક… “ખેલાડીઓના હિતોને પ્રાથમિકતા નહીં”
પોલેન્ડની સ્ટાર ઇગા શ્વિઓંતેકે પણ તેને ખૂબ જ પડકારજનક ગણાવ્યું હતું. શ્વિઓંતેકે કહ્યું કે, આ ખેલાડીઓના હિતમાં નથી. શ્વિઓંતેકે ઉમેર્યું કે ટેનિસનું આખું કેલેન્ડર જ લાંબા સમયથી ખેલાડીઓ માટે ખૂબ વ્યસ્ત રહ્યું છે અને ખેલાડીઓના હિતોને પૂરતી પ્રાથમિકતા આપવામાં આવી રહી નથી.
ડેનિલ મેદવેદેવ… “6-7 દિવસ પણ ઓછા છે, વધુ સમય મળવો જોઈએ”
ડેનિલ મેદવેદેવે પણ શિડ્યુલમાં ફેરફારની જરૂરિયાત જણાવી હતી. તેમણે કહ્યું કે ત્રણ દિવસને બદલે ઓછામાં ઓછો છ દિવસનો તફાવત હોવો જોઈએ, જોકે તેમના મતે છ દિવસ પણ પૂરતાં નહીં રહે. તેમણે સાત દિવસથી વધુનો તફાવત રાખવાનો પ્રયાસ કરવાની વાત કરી હતી.

