નાગેશ્રી ગામમા બે ઉભરતા યુવાનોના આકસ્મિક અવસાનથી પરિવારમાં આક્રંદ સાથે અરેરાટી
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli,તા.28
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં રક્ષાબંધનના તહેવાર પૂર્વે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા બે યુવાન મિત્રોના અકાળે મોત નીપજ્યા છે. નાગેશ્રી-ચૌત્રા માર્ગ પર મોડી રાત્રે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયેલા જોરદાર અકસ્માતમાં બંને યુવાનોએ ઘટનાસ્થળે જ દમ તોડી દેતા સમગ્ર પંથકમાં સાતમ-આઠમના પર્વ પૂર્વે શોકનું મોજું ફરી વળ્યું છે.મળતી વિગતો મુજબ, જાફરાબાદ તાલુકાના નાગેશ્રી-ચૌત્રા માર્ગ પર મોડી રાત્રે અત્યંત કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેક્ટર અને સામેથી આવી રહેલી બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક પર સવાર બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે ઘટનાસ્થળે જ પ્રાણ ગુમાવ્યા હતા. બાઈકનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને યુવાનોની ઓળખ મહાવીરભાઈ જસુભાઈ વરૂ અને શ્યામભાઈ રામભાઈ જોગદીયા તરીકે થઈ છે. બંને મિત્રો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને થોડા સમય માટે વાહન વ્યવહાર અટકી ગયો હતો. બે ઉભરતા યુવાનોના આકસ્મિક અવસાનથી તેમના પરિવારમાં આક્રંદ સાથે અરેરાટી વ્યાપી ગઈ છે. તહેવાર ટાણે જ ગુમાવતા પરિવારમાં જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.ઘટનાની જાણ નાગેશ્રી પોલીસને થતા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગે નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત અંગે ગુનો નોંધી ટ્રેક્ટર ચાલક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.

