Ahmedabad,તા.01
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)માં નિવૃત્તિ બાદ પણ અધિકારીઓ અને કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ફરીથી નોકરીમાં રાખવામાં આવતા હોવાના મામલે RTIમાં ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનો કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, વર્ષ 2023-24, 2024-25 અને 2025-26 દરમિયાન જ 210થી વધુ નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ આધારિત કામગીરી સોંપવામાં આવી છે. જ્યારે વર્ષ 2015થી અત્યાર સુધીનો સમગ્ર આંકડો જોવામાં આવે તો સંખ્યા 1,000થી વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
હેમાંગ રાવલે આ મુદ્દે ગુજરાત સરકાર પાસે સમગ્ર રાજ્યમાં નિવૃત્તિ બાદ ફરીથી સરકારી, અર્ધસરકારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નોકરી કરતા કર્મચારીઓ તથા અધિકારીઓનો સંપૂર્ણ ડેટા જાહેર કરવાની અને શ્વેતપત્ર બહાર પાડવાની માગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, અમદાવાદમાં સામે આવેલી સ્થિતિને જોતા રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, બોર્ડ-નિગમો અને સરકારી વિભાગોમાં પણ આવી પુનઃનિયુક્તિઓનું પ્રમાણ કેટલું છે તે જાહેર થવું જરૂરી છે.
રાવલે સવાલ ઉઠાવ્યો છે કે, સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ કોઈ કર્મચારી કે અધિકારીને ફરીથી નોકરીમાં લેવાની જરૂરિયાત કયા સંજોગોમાં ઊભી થાય છે અને આવી નિમણૂક કયા નિયમ, ઠરાવ કે મંજૂરીના આધારે કરવામાં આવે છે. વિશેષ અનુભવ કે નિષ્ણાત સેવાની જરૂરિયાત હોય તો મર્યાદિત સમય માટે સેવા લેવી અલગ બાબત છે, પરંતુ નિવૃત્તિ બાદ વર્ષો સુધી એ જ વ્યક્તિને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે તો તે નિયમિત ભરતીના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાઈ રહી છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે.
નિવૃત્ત કર્મચારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ પર રાખ્યા બાદ તેમને આપવામાં આવતા વેતન અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક કિસ્સામાં ફિક્સ પગાર, કેટલાકમાં નિવૃત્તિ સમયે મળતા બેઝિક પગારના આશરે 35 ટકા અને કેટલાક કિસ્સામાં ‘પે માઇનસ પેન્શન’ પદ્ધતિથી વેતન ચૂકવાતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.આથી એક જ સંસ્થામાં નિવૃત્ત કર્મચારીઓ માટે અલગ-અલગ વેતન પદ્ધતિ કેમ અપનાવવામાં આવે છે અને કોને કઈ પદ્ધતિથી પગાર આપવો તેનો નિર્ણય કયા નિયમ હેઠળ થાય છે તે અંગે પારદર્શકતા લાવવાની માગ કરવામાં આવી છે.

