Rajkot. તા.2
રાજકોટના ઐતિહાસિક લોકમેળાનો આજે સાંજે 4ઃ30 વાગ્યે પ્રારંભ થવા જઈ રહ્યો છે, પરંતુ આ વર્ષે મેળાની રંગત ગાયબ જોવા મળી રહી છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ભયાવહ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર સુરક્ષા મુદ્દે અત્યંત કડક બન્યું છે.
નવા અને કડક નિયમોના કારણે મેળાના પ્રથમ દિવસે બપોર સુધી એકપણ રાઈડના સંચાલક જરૂરી મંજૂરી મેળવી શક્યા ન હતા. જેને પગલે લાખો રૂપિયાનું રોકાણ કરનારા ધંધાર્થીઓના શ્વાસ અધર થઈ ગયા છે.
લોકમેળાની મુખ્ય મજા અને આકર્ષણ તેની રાઈડ્સ હોય છે. ચકડોળ, બે્રક ડાન્સ, ટોરાટોરા જેવી રોમાંચક રાઈડ્સ વિના મેળો અધૂરો ગણાય. જોકે, આ વખતે આ તમામ રાઈડ્સની મંજૂરી કાયદાકીય ગૂંચવણો અને કડક ચકાસણીના કારણે ડખ્ખામાં પડી છે.
પોલીસ વિભાગ આ મામલે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી અને ‘વેઇટ એન્ડ વોચ’ એટલે કે ‘રાહ જુઓ’ ની નીતિ અપનાવી રહ્યું છે. તમામ કાગળો અને સુરક્ષાના માપદંડો સો ટકા સંતોષકારક ન હોય ત્યાં સુધી લીલી ઝંડી ન આપવાનો મક્કમ નિર્ધાર કરાયો છે.
નિયમ મુજબ, મેળામાં રાઈડ્સ શરૂ કરવા માટે ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ (આરોગ્ય વિભાગ) અને આર એન્ડ બી (માર્ગ અને મકાન વિભાગ) સહિતના મિકેનિકલ ફિટનેસના વિવિધ સરકારી વિભાગોએ સ્થળ તપાસ કરવાની હોય છે.
આ તમામ વિભાગોએ સ્થળ પર જઈને ઝીણવટભરી ચકાસણી તો કરી લીધી છે, પરંતુ તેમના સત્તાવાર ક્લિયરન્સ રિપોર્ટ અને અભિપ્રાયો બપોરના 2ઃ00 વાગ્યા સુધી પોલીસ ઓથોરિટી પાસે પહોંચ્યા ન હતા. સરકારી પ્રક્રિયાની આ ધીમી ગતિને કારણે સંચાલકો મંજૂરી માટે આમતેમ ભટકી રહ્યા છે.
આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ કડક વલણ અપનાવતા સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, “નો લાયસન્સ, નો રાઈડ”. મેળામાં નાની-મોટી થઈને કુલ 34 જેટલી રાઈડ્સ આવેલી છે.
ડીસીપીએ જણાવ્યું હતું કે, 11 અરજદારોએ આ માટે અરજી કરેલ છે. પરંતુ જ્યાં સુધી આ તમામ 34 રાઈડ્સના અલગ-અલગ વિભાગો તરફથી ક્લિયર અને સકારાત્મક અભિપ્રાય (ફિટનેસ સર્ટિફિકેટ) પોલીસ વિભાગને નહીં મળે, ત્યાં સુધી એક પણ રાઈડ શરૂ કરવા દેવામાં આવશે નહીં. જનતાની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.
ધંધાર્થીઓ આર્થિક સંકટના ડરથી ફફડાટમાં
મેળામાં રાઈડ્સ લગાવવા માટે સંચાલકોએ લાખો રૂપિયાની હરાજી બોલીને પ્લોટ રાખ્યા હોય છે. આ ઉપરાંત મશીનરી લાવવાનો, મજૂરોનો અને લાઈટિંગનો મોટો ખર્ચ થતો હોય છે. મેળાના શરૂઆતના દિવસો કમાણી માટે ખૂબ મહત્વના હોય છે. હજું સુધી રાઈડ્સની મંજૂરી ન મળતા તા ધંધાર્થીઓને આર્થિક નુકસાનીનો સામનો પણ કરવો પડી શકે છે. મેળાની તમામ રાઇડ્સનું ફિટનેશ આજ સાંજથી શરુ થયેલો રાજકોટનાં લોકમેળામાં દર વર્ષની માફક આ વર્ષે પણ રાઇડ્સને મંજુરી આજે બપોર સુધી તંત્રએ આપીને હોય રાઇડ્સ સંચાલકે ભારે અવઢવમાં મુકાયા છે. ત્યારે આ પ્રશ્ને રાજકોટ શહેર માર્ગ-મકાન વિભાગનાં એ.સી. સિધ્ધાર્થ જાનીનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે લોકમેળાની તમામ-34 રાઇડ્સનું હાલ ફિટનેશ ચેકિંગ, યાત્રિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને બપોર સુધીમાં રાઇડ્સ સંચાલકોને મંજુરી અપાઇ નથી. પરંતુ સરકારી એસ.ઓ.પી.નું પાલન કરનાર કરવું ફરજીયાત છે. આથી સરકારી ગાઇડલાઇનને અનુસાર રાઇડ્સ સંચાલકોને સાંજ સુધીમાં મંજુરી મળી જશે.

