Ahmedabad,તા.૭
અમદાવાદમાં આજથી શરૂ થયેલી રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળે શહેરના રોજિંદા પરિવહન સામે મોટો પડકાર ઊભો કર્યો છે. ઓલા-ઉબેર સહિતની એપ આધારિત કેબ સેવાઓ સામે ‘રોજગાર બચાવો’ના નારા સાથે ચાલકો હડતાળ પર ઊતર્યા છે. ૧૦ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ આંદોલનમાં રાજ્યભરમાં ૩.૭૦ લાખથી વધુ ચાલકો જોડાવાના દાવા વચ્ચે અમદાવાદના મુસાફરો માટે આગામી ચાર દિવસ ખાસ કરીને મુશ્કેલ બની શકે છે.
લાંબી રજાઓ અને વેકેશન પૂર્ણ થતાં શહેરમાં બહારગામથી પરત આવેલા લોકોની અવરજવર પહેલેથી જ વધી છે. પરિવાર સાથે પરત ફરેલા મુસાફરો, વિદ્યાર્થીઓ, નોકરી-ધંધા માટે નીકળતા લોકો અને રેલવે-એસટી-એરપોર્ટ પરથી શહેરમાં પહોંચતા મુસાફરો માટે રિક્ષા અને કેબ સૌથી સરળ વિકલ્પ ગણાય છે. હવે હડતાળ વચ્ચે આ વ્યવસ્થા ખોરવાતાં મુસાફરોને વૈકલ્પિક પરિવહન શોધવાની ફરજ પડશે.
હડતાળના માહોલમાં એપ કેબના ભાડાને લઈને મુસાફરોમાં સૌથી વધુ નારાજગી છે. જોધપુરથી પરત આવેલાં મુસાફર રિતિકા બોથરા પાસે રિક્ષાનું સેટેલાઇટ સુધીનું ભાડું રૂ. ૧પ૦૦ માગવામાં આવતાં તેમને બીઆરટીએસની મુસાફરી કરવી પડી હતી, જ્યારે અન્ય મુસાફરોએ પોતાની પાસે વધુ સામાન વધુ હોઈને મજબૂરીમાં મનફાવે તેવાં ભાડાં ચૂકવવાં પડ્યાં હતાં. સામાન્ય રીતે થોડા અંતર માટે ચૂકવાતાં ભાડાની સરખામણીએ કેબના ભાવ અનેકગણા જોવા મળી રહ્યા છે. માત્ર પાંચ કિલોમીટર માટે રૂ. ૧પ૦૦ સુધીનું ભાડું માગવામાં આવ્યું હોવાના આક્ષેપ સામે મુસાફરો સવાલ ઉઠાવી રહ્યા છે.
અમદાવાદમાં રજાઓ દરમિયાન બહારગામ ગયેલા અનેક પરિવારો હવે પરત ફરી રહ્યા છે. રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ અને અન્ય ટ્રાન્સપોર્ટ હબ પરથી સામાન સાથે ઘરે પહોંચવા માટે રિક્ષા કે કેબની જરૂરિયાત રહે છે. હડતાળના કારણે લોકોને પોતાનાં સગાંવહાલાંઓને વિનંતી કરીને તેમને પીક કરવા બોલાવવા પડ્યાં હતાં. સામાન્ય દિવસોમાં એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચવા માટે રિક્ષા-ટેક્સીનો ઉપયોગ કરતા ઓફિસ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી છે.‘આટલા ભાડામાં તો મુંબઈ પહોંચી જવાય’ જેવી પ્રતિક્રિયા આપતા મુસાફરોનું કહેવું છે કે મુશ્કેલીના સમયે ભાડામાં આટલો તફાવત સામાન્ય પરિવાર માટે મોટો આર્થિક બોજ બની શકે છે.
આ સમગ્ર વિવાદનો મૂળ મુદ્દો પણ હવે અમદાવાદના મુસાફરો સામે છે. રિક્ષા-ટેક્સીચાલકો એપ આધારિત સેવાઓના કારણે પરંપરાગત રિક્ષા-ટેક્સી વ્યવસાયને નુકસાન થતું હોવાનો વિરોધ કરી રહ્યા છે, બીજી તરફ મુસાફરોનો સવાલ છે કે હડતાળ હોય ત્યારે શહેરમાં વધુ ભાડાવાળી રિક્ષા ક્યાંથી ? રિક્ષા-ટેક્સીની ઉપલબ્ધતા ઘટતાં અમદાવાદમાં એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો પર મુસાફરોનો ભાર વધવાની શક્યતા છે. જેઓ પાસે ટુ વ્હીલર કે કાર છે તેઓ ચાર દિવસ માટે પોતાના વાહનનો ઉપયોગ વધારી રહ્યા છે, તેના કારણે પહેલેથી વ્યસ્ત રહેલા મુખ્ય માર્ગો પર વાહનોની સંખ્યા વધી છે. ખાસ કરીને સવાર-સાંજના પીક અવર્સમાં ટ્રાફિકનું દબાણ વધ્યું છે.

