શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ, જલાભિષેક-રુદ્રાભિષેક સાથે પિતૃ તર્પણ
(નયના દવે દ્વારા)
Jamnagar તા. ૧૧
છોટી કાશી તરીકે પ્રચલિત જામનગર શહેરમાં શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે પવિત્ર શ્રાવણી અમાસે પણ શિવભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભક્તિ અને ધાર્મિક આસ્થાનું વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને આજે શ્રાવણ માસની વિદાયના દિવસે પણ વહેલી સવારથી જ અનેક શિવ મંદિરોમાં ભક્તોની અવરજવર જોવા મળી હતી.
જામનગર શહેરમાં આવેલા વિવિધ શિવ મંદિરોને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરોમાં જળ, હરિયાળી તથા રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન ખાસ કરીને ચારેય સોમવારે વહેલી સવારથી જ શિવભક્તો દર્શનાર્થે કતારબદ્ધ થઈ જતા હતા. ભક્તો દ્વારા ભગવાન ભોળાનાથને બિલિપત્ર અર્પણ કરી જલાભિષેક, રુદ્રાભિષેક સહિતની પૂજા-અર્ચના કરવામાં આવતી હતી.
જામનગરના સિદ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, મણીકંકેશ્વર મહાદેવ મંદિર સહિતના અનેક શિવાલયોમાં આજે શ્રાવણ માસના અંતિમ દિવસે પણ ભક્તોએ ભગવાન ભોળાનાથના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.
શ્રાવણી અમાસે પિતૃ તર્પણ માટે પણ ભક્તોની ભીડ
શ્રાવણ માસના અંતિમ દિવસ સાથે આજે શ્રાવણી અમાસ હોવાથી ધાર્મિક રીતે આ દિવસનું વિશેષ મહત્વ રહ્યું હતું. અનેક શિવ મંદિરોના પરિસરમાં આવેલા પિંપળાના વૃક્ષ પાસે શ્રદ્ધાળુઓ દ્વારા પિતૃ તર્પણ કરવામાં આવ્યું હતું. પિતૃઓની શાંતિ અને સદગતિ માટે તર્પણવિધિ કરી શ્રદ્ધાળુઓએ પુણ્યદાન કર્યું હતું.
ખાસ કરીને સિદ્ધનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, નીલકંઠ મહાદેવ સહિતના વિવિધ શિવ મંદિરોમાં આવેલા પિંપળાના સ્થાન પર શ્રદ્ધાળુઓએ પિતૃ તર્પણ કરી ધાર્મિક વિધિ કરી હતી. પિતૃઓને યાદ કરી તેમની શાંતિ માટે પ્રાર્થના સાથે પિંપળાને જળ અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું હતું.
શ્રાવણ માસના અંતિમ દિવસે અનેક ભક્તોએ શહેરના અલગ-અલગ શિવાલયોમાં અંતિમ દર્શન કરી ભગવાન ભોળાનાથને રીઝવવા માટે પૂજા-અર્ચના અને પ્રાર્થના કરી હતી. શ્રાવણ માસ દરમિયાન કરેલી શિવભક્તિની પૂર્ણાહુતિરૂપે ભક્તોએ શિવલિંગ પર જળ ચઢાવી બિલિપત્ર અર્પણ કર્યા હતા અને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
આમ, પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે અને શ્રાવણી અમાસના પાવન પર્વે છોટી કાશી જામનગરમાં એક તરફ શિવભક્તિનો માહોલ જોવા મળ્યો હતો, તો બીજી તરફ પિતૃ તર્પણ માટે પણ શ્રદ્ધાળુઓની અવરજવર રહી હતી. શિવાલયોમાં અંતિમ દર્શન કરી ભક્તોએ શ્રાવણ માસને ભાવભીની વિદાય આપી હતી અને ભગવાન ભોળાનાથના ચરણોમાં માથું ટેકવી સૌના સુખ-શાંતિ તથા કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

