નાઇટ કોમ્બિંગ અને ડે-ડ્રાઇવમાં ૧૯ કાર અને ૧૨૮ બાઇક જપ્ત ૧.૧૯ લાખનો પેન્ડિંગ દંડ વસૂલાયો
Rajkot તા.૨૧ઃ
રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. નંબર પ્લેટ વિના બેફામ દોડતા વાહનો સામે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તેમજ અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકના માર્ગદર્શન હેઠળ વિશેષ કોમ્બિંગ નાઇટ અને ડે ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન પોલીસે નંબર પ્લેટ વિનાના ૧૪૭ વાહનો ડિટેઇન કરી, ૨૪૯ પેન્ડિંગ ઈ-ચલણ પેટે રૂ. ૧,૧૯,૨૦૦નો દંડ સ્થળ પર જ વસૂલ કર્યો હતો.
ડીસીપી ટ્રાફિક ડો. હરપાલસિંહ જાડેજા અને મદદનીશ પોલીસ કમિશનરના નેતૃત્વમાં ૧૯ સપ્ટેમ્બરની રાત્રે અને ૨૦ સપ્ટેમ્બરે દિવસ દરમિયાન શહેરના તમામ મુખ્ય જંકશનો અને સંવેદનશીલ પોઇન્ટ્સ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આ કાર્યવાહીમાં નિયમભંગ કરતા ૧૯ ફોર-વ્હીલર અને ૧૨૮ ટુ-વ્હીલર સહિત કુલ ૧૪૭ વાહનોને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી જપ્ત કરવામાં આવ્યા હતા.
ડિટેઇન કરાયેલા વાહનોનો ડેટાબેઝ ચકાસતા ઘણા ચાલકોના અગાઉના ટ્રાફિક ચલણ પણ બાકી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પર જ ૨૪૯ પેન્ડિંગ ચલણ ક્લિયર કરાવી કડક વસૂલાત કરી હતી. શહેરમાં માર્ગ સલામતી જળવાઈ રહે અને વાહનચાલકો એચએસઆરપી નંબર પ્લેટ સહિતના નિયમોનું અચૂક પાલન કરે તે માટે આગામી દિવસોમાં પણ આ ડ્રાઇવ વધુ કડકાઈથી ચાલુ રહેશે તેવી સ્પષ્ટ સૂચના ટ્રાફિક શાખા દ્વારા આપવામાં આવી છે.

