Surat,તા.૨૯
Surat સાયબર ક્રાઈમ સેલે કરોડો રૂપિયાના ઓનલાઈન ફ્રોડના કેસમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી દુબઈમાં રહીને આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ સાથે જોડાયેલો હતો અને બેન્ક એકાઉન્ટ તથા ડમી કંપનીઓના નેટવર્ક મારફતે નાણાકીય વ્યવહારો કરાવતો હતો.
પોલીસે આરોપી સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો હતો. આરોપી દુબઈથી ફ્લાઇટ મારફતે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચતા જ સુરત સાયબર ક્રાઈમની ટીમે એરપોર્ટ ઓથોરિટીની મદદથી તેને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીની ઓળખ ૩૮ વર્ષીય મોહમદ સાહીબ મોહમદ સાદીક તંબુવાલા તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ તે સુરતના રાંદેર રોડ, અડાજણ પાટિયા વિસ્તારમાં ઝલ એપાર્ટમેન્ટમાં રહેતો હતો.
Surat સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૩માં નોંધાયેલા એક કેસની તપાસ દરમિયાન આ નેટવર્ક સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદીને લિંક મોકલવામાં આવી હતી. લિંક પર રજિસ્ટ્રેશન કરાવી શરૂઆતમાંં યુટયુબ ચેનલ રજિસ્ટ્રેશન કરવાના ટેગ આપવામાં આવ્યા હતા.
આ ટાસ્ક પૂર્ણ કરવા બદલ કમિશન આપીને ફરિયાદીનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ કમાણીની લાલચ આપીને ઁઅલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી પાસેથી કુલ ૩૦,૨૦,૧૩૭ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. તેમાંથી શરૂઆતમાં માત્ર ૩૦,૪૫૦ કમિશન તરીકે પરત આપવામાં આવ્યા હતા. બાકીના ૨૯,૮૯,૬૮૭ની રકમની છેતરપિંડી થઈ હતી.
બીજા કેસમાં આરોપીઓએ એક ફર્મના નામે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યું હોવાનો પોલીસનો આરોપ છે. આ બનાવટી ડીએસસીનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસીઇજીએટીઇ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ માટે ફેક ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ફર્મનાનો કથિત રીતે ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો હતો.એશિયન કમ્યુનિટીમાં જોડાઓ
પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદીની જાણ બહાર સરકારની આરઓએસસીટીએલ યોજના હેઠળ મળેલી ૭ ઈ-સ્ક્રિપ્સમાંથી ૪ ઈ-સ્ક્રિપ્સ અન્ય ધારકોને ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ૪ ઈ-સ્ક્રિપ્સની કુલ કિંમત ૫૪,૨૫,૭૬૭ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે ૭ ઈ-સ્ક્રિપ્સની કુલ કિંમત ૯૫,૪૨,૮૩૧ હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી વધુ માહિતી સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, સાહીબ તંબુવાલા સુરતના સ્થાનિક સાગરીતો પાસેથી કમિશનના આધારે બેન્ક એકાઉન્ટ મેળવતો હતો. ત્યારબાદ આવા બેન્ક એકાઉન્ટ દુબઈમાં રહેલા સાયબર ગેંગના કથિત મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડવામાં આવતા હતા. આરોપી પોતે આશરે ૨૦,૧૧૫ યુએઇ દિરહામ, એટલે કે અંદાજે ૫ લાખ, જેટલું કમિશન રાખતો હોવાનો પોલીસનો દાવો છે. તપાસમાં એક બેન્ક એકાઉન્ટમાં ૧૧ અને ૧૨ મે ૨૦૨૩, એટલે કે માત્ર બે દિવસ દરમિયાન ૫,૧૭,૫૪,૫૯૮ના વ્યવહારો થયાનું સામે આવ્યું છે.
પોલીસે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતાં આ બેન્ક એકાઉન્ટ સાથે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી નોંધાયેલી ૪૯ ફરિયાદો જોડાયેલી હોવાનું શોધી કાઢ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ફરિયાદોમાં સીધી રીતે ૮૬,૩૪,૯૪૨ની ફ્રોડ રકમ આ એકાઉન્ટમાં જમા થયેલી હોવાનું સામે આવ્યું છે. આ ખુલાસા બાદ સુરત સાયબર ક્રાઈમ સેલે આરોપીના આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે તપાસ વધુ તેજ કરી છે.સિટી ગાઇડ મેળવો
આ કેસમાં અગાઉ ઝડપાયેલા સલાબતપુરાના તક્ષલ લુંગીવાલા સાથે મળીને આરોપીએ એક બોગસ કંપની અને તેની બનાવટી ડીએસસી તૈયાર કરી હોવાનો પોલીસનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ફેક કંપનીનો દુબઈમાં રહેલા વોન્ટેડ આરોપીને આપવામાં આવ્યા હતા. તેના બદલામાં ૫૦,૦૦૦ કમિશન મેળવવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કથિત નેટવર્ક દ્વારા ફરિયાદીની ૨૫,૩૬,૮૭૭ની સરકારી ઈ-સ્ક્રિપ્સ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનો પોલીસનો દાવો છે.
આ સમગ્ર કેસમાં ડીંડોલીના કૃણાલ સેંધાણે અને સલાબતપુરાના તક્ષલ લુંગીવાલાની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે અને તેઓ જેલમાં હોવાનું પોલીસ તપાસમાં જણાવાયું છે. હવે મોહમદ સાહીબ તંબુવાલાની ધરપકડ બાદ સાયબર ક્રાઈમ પોલીસે તેના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ હાલ આરોપીના બેન્ક એકાઉન્ટ, ડમી કંપનીઓ, સ્થાનિક સાગરીતો અને દુબઈમાં રહેલા કથિત સાયબર ગેંગ સાથેના કનેક્શન અંગે તપાસ કરી રહી છે. આ નેટવર્ક સાથે વધુ લોકો જોડાયેલા છે કે કેમ અને અન્ય કેટલા નાણાકીય વ્યવહારો થયા છે તે અંગે તપાસ આગળ વધી રહી છે.

