૧૦ હજારથી વધુ લોકોએ માણ્યા સિંહ દર્શન રૂપિયા ૨૦ લાખથી વધુની આવક
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૩ઃ
દિવાળીના તહેવારોમાં સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો, ત્યારે અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલું આંબરડી સફારી પાર્ક પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. દિવાળીના માત્ર ચાર દિવસમાં જ ૧૦ હજારથી વધુ પ્રવાસીઓએ આંબરડી સફારી પાર્કની મુલાકાત લઈ કુદરતી વાતાવરણમાં વન્યજીવો અને ખાસ કરીને એશિયાટિક સિંહોનાં દર્શનનો રોમાંચક અનુભવ માણ્યો હતો.
બીજી તરફ નજીકમાં આવેલા ખોડિયાર જળાશય અને ખોડિયાર માતાજીના મંદિર ખાતે પણ પ્રવાસીઓનો માનવ મહેરામણ ઉમટ્યો હતો. દિવાળીના ચાર દિવસ દરમિયાન સફારી પાર્કને ટિકિટ સહિતની આવકમાંથી રૂ.૨૦ લાખથી વધુની આવક થઈ હોવાનું જાણવા મળે છે.
વર્ષ ૨૦૧૭માં શરૂ થયેલું આંબરડી સફારી પાર્ક આજે અમરેલી જિલ્લાની પ્રવાસન ઓળખ બની ગયું છે. અંદાજે ૩૬૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કના નિર્માણ પાછળ રૂ.૧૦થી ૧૨ કરોડ જેટલો માતબર ખર્ચ કરવામાં આવ્યો હતો. અહીં એશિયાટિક સિંહ ઉપરાંત દીપડા, ચિતલ, ચીંકારા, નીલગાય, કાળિયાર સહિતના વન્યપ્રાણીઓ અને વિવિધ પ્રજાતિના પક્ષીઓને કુદરતી વાતાવરણમાં નિહાળવાની તક પ્રવાસીઓને મળી રહે છે.
પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પાર્કમાં આધુનિક સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે. જેમાં વિશાળ પાર્કિંગ, રિસેપ્શન સેન્ટર, વેઇટિંગ રૂમ, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ફૂડ કોર્ટ, શુદ્ધ પીવાના પાણીની સુવિધા સહિત દિવ્યાંગજનોને અનુકૂળ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પ્રવાસીઓ સરળતાથી મુલાકાતનું આયોજન કરી શકે તે માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આંબરડી સફારી પાર્કનું એક વિશેષ આકર્ષણ વિશ્વના સૌથી મોટા સિંહ સ્ટેચ્યુ પૈકીનું એક ગણાતું ભવ્ય સિંહનું સ્ટેચ્યુ છે, જેને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા નોમિનેશન પણ મળ્યું છે. આ ઉપરાંત અર્બોરેટમ, પોલિનેટર પાર્ક અને તાજેતરમાં નિર્માણ પામેલું લેપર્ડ કેજ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
માત્ર પ્રવાસન જ નહીં, પરંતુ વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીઓની આરોગ્ય સંભાળની દિશામાં પણ પાર્ક દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. સિંહોની આરોગ્ય સંભાળ માટે મેડિકલ એમ્બ્યુલન્સ, આધુનિક સર્જિકલ સાધનો, યુવી લાઇટ, હીટર, કૂલર અને ફોગર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અનુભવી પશુચિકિત્સકો અને લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરો દ્વારા વન્યપ્રાણીઓની સતત દેખરેખ રાખવામાં આવે છે.
પાર્કમાં પાંચ આધુનિક સફારી બસો કાર્યરત છે, જેમાંથી બે બસો એરકન્ડિશન્ડ છે. સુરક્ષિત બસ સફારી મારફતે પ્રવાસીઓને બે અલગ-અલગ સ્થળોએ સિંહ દર્શન કરાવવામાં આવે છે. પરિણામે પ્રવાસીઓ ખુલ્લા કુદરતી વાતાવરણમાં સિંહોને નિહાળવાનો રોમાંચ માણી શકે છે, સાથે જ તેમની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
આંબરડી સફારી પાર્કની વધતી લોકપ્રિયતાનો અંદાજ તેના વાર્ષિક પ્રવાસી આંકડા પરથી પણ લગાવી શકાય છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કુલ ૧,૩૦,૯૫૮ પ્રવાસીઓએ પાર્કની મુલાકાત લીધી હતી અને તેના પરિણામે રૂ.૨૦.૪૩ કરોડથી વધુની આવક નોંધાઈ હતી. આ આંકડા અમરેલી જિલ્લાના પ્રવાસન ક્ષેત્રે આંબરડી સફારી પાર્કનું વધતું મહત્વ દર્શાવે છે.
આમ, ધારીનું આંબરડી સફારી પાર્ક માત્ર સિંહ દર્શનનું સ્થળ બની રહ્યું નથી, પરંતુ પ્રવાસન વિકાસ, પર્યાવરણ સંરક્ષણ, વન્યજીવ સંવર્ધન અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપતું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. દિવાળીના ચાર દિવસમાં ૧૦ હજારથી વધુ પ્રવાસીઓની હાજરી અને રૂ.૨૦ લાખથી વધુની આવક એ સાબિત કરે છે કે અમરેલી જિલ્લો પણ પ્રવાસન ક્ષેત્રે નવી ઓળખ સ્થાપિત કરી રહ્યો છે.

