ધારીના વીરપુરમાં ડુક્કરના શિકાર પાછળ દોડેલી સિંહણ પણ કૂવામાં પટકાઈ
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૭ઃ
અમરેલી જિલ્લામાં સિંહોની માનવ વસાહત નજીક વધતી અવરજવર વચ્ચે કૂવામાં સિંહણો ખાબકવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જાફરાબાદના બાબરકોટમાં રાત્રિના અંધારામાં શિકારની શોધમાં નીકળેલી સિંહણ પાણી પુરવઠાના ખાલી કૂવામાં ખાબકી હતી.
જ્યારે ધારીના વીરપુર ગામે ડુક્કરના શિકાર પાછળ દોડેલી સિંહણ અને તેનો શિકાર બંને પાણી ભરેલા કૂવામાં ખાબક્યા હતા. બંને સ્થળે વનવિભાગે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ સિંહણોને સલામત રીતે બહાર કાઢી હતી.
પ્રથમ બનાવમાં જાફરાબાદ તાલુકાના બાબરકોટ વિસ્તારમાં રાત્રિના સમયે શિકારની શોધમાં નીકળેલી સિંહણ પાણી પુરવઠાના ખાલી કૂવામાં ખાબકી જતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સિંહણને બહાર કાઢવા રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.
કૂવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વનકર્મીઓ દ્વારા રીંગ કેચ પાંજરું કૂવામાં ઉતારવામાં આવ્યું હતું. સિંહણને પાંજરા સુધી લાવી સુરક્ષિત રીતે બહાર કાઢવા વન વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આશરે છ કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ સિંહણ પાંજરે પુરાઈ હતી અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી.
બાબરકોટ આસપાસ છેલ્લા કેટલાક સમયથી સિંહોના સતત વસવાટ અને અવરજવરથી સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. આ મુદ્દે બાબરકોટના સરપંચે પણ વનતંત્ર સામે હૈયાવરાળ ઠાલવી સિંહોની વધતી અવરજવર વચ્ચે સ્થાનિકોની સુરક્ષા અંગે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી હતી.
જયારે બીજા બનાવમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વીરપુર ગામે શિકારની પાછળ દોડેલી સિંહણ કૂવામાં ખાબકી હતી. વીરપુર ગામે ભાભલુંભાઈ ધાખડાની વાડીમાં ડુક્કરના શિકાર પાછળ દોડ લગાવતી સિંહણ અને ડુક્કર બંને પાણી ભરેલા કૂવામાં ખાબક્યા હતા.
ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પાણી ભરેલા કૂવામાં સિંહણ ફસાઈ જતા વનકર્મીઓ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. ભારે જહેમત બાદ સિંહણને પાંજરામાં પૂરવામાં સફળતા મળી હતી. રેસ્ક્યૂ બાદ સિંહણને વધુ સારવાર અને નિરીક્ષણ માટે ધારી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.
અમરેલી જિલ્લામાં એક જ સમયગાળામાં સિંહણો કૂવામાં ખાબકવાની બે ઘટનાઓ સામે આવતા સિંહોના વસવાટવાળા વિસ્તારોમાં કૂવાઓની સુરક્ષા ફરી ચર્ચામાં આવી છે. ખુલ્લા કૂવાઓ વન્યજીવો માટે જીવલેણ સાબિત ન થાય તે માટે કૂવાઓને જાળ કે અન્ય સુરક્ષિત આવરણથી ઢાંકવાની જરૂરિયાત પણ ઉઠી રહી છે.

