નવા મંજૂર થયેલા નેશનલ હાઇવેમાં પણ બંને મહત્વના માર્ગોને ફોરલેનનો દરજ્જો નહીં
નાના માચીયાળા પાસે ડાયવર્ઝનનો ધૂળિયો માર્ગ વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બન્યો
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૭ઃ
ગુજરાત રાજ્યને ડો. જીવરાજ મહેતાના સ્વરૂપમાં પ્રથમ મુખ્યમંત્રીની ભેટ આપનાર અમરેલી જિલ્લો આજે આઝાદીના ૮૦ વર્ષ બાદ પણ અનેક પાયાની માળખાકીય સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યો છે. છેલ્લા એક દાયકાથી વાહન ચાલકો અને નાગરિકો દ્વારા અમરેલીથી બાબરા તથા અમરેલીથી ચાવંડ વચ્ચેના માર્ગને ફોરલેન બનાવવાની ઉઠતી માંગને હજુ સુધી સંતોષવામાં આવી નથી.
તાજેતરમાં નવા નેશનલ હાઇવેને મંજૂરી આપવામાં આવી હોવા છતાં આ બંને મહત્વના માર્ગોને ફોરલેન કરવાની માંગનો સમાવેશ ન થતાં વાહન ચાલકોમાં ફરી ભારે નારાજગી જોવા મળી રહી છે.
અમરેલીથી બાબરા અને અમરેલીથી ચાવંડ સુધીનો માર્ગ સૌરાષ્ટ્રના અનેક મહત્વના શહેરોને જોડતો હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સુરત, ભુજ પીપાવાવ પોર્ટ સહિતના શહેરો સાથે અમરેલીને જોડતા આ માર્ગો આજે પણ ટુ-લેન હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
છેલ્લા બે દાયકામાં વાહનોની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે ત્યારે રસ્તાઓની ક્ષમતા વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે સાંસદ ભરતભાઈ સુતરીયા દ્વારા પણ આ બંને માર્ગો ફોર લેન બનશે. તેવું જાહેર કરાયા છતાં પણ આ માર્ગોના વિકાસ માટે કોઈ પરિણામ મળી શક્યું નથી.
અમરેલીથી બાબરા તરફ જતા માર્ગ ઉપર નાના માચીયાળા ગામ નજીક કાઢવામાં આવેલ ડાયવર્ઝન આજે ધૂળિયો માર્ગ બની જતાં વાહન ચાલકો માટે હાલની સ્થિતિ વધુ મુશ્કેલ બની છે. ભારે વાહનો પસાર થાય ત્યારે ધૂળની ડમરીઓ ઊડતી હોવાથી પાછળ આવતા વાહનચાલકોની મુશ્કેલી વધી જાય છે. આ માર્ગ પરથી પસાર થવું જાણે વાહનચાલકો માટે રોજનું માથાનું દુઃખાવું બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
અમરેલીથી બાબરા વચ્ચે આશરે ૩૩ કિલોમીટર તથા અમરેલીથી ચાવંડ વચ્ચે આશરે ૩૨ કિલોમીટરનો માર્ગ ફોરલેન કરવામાં આવે તો વાહનોની સરેરાશ ગતિમાં વધારો થાય, મુસાફરીનો સમય ઘટે અને અકસ્માતોની શક્યતા પણ ઘટાડી શકાય તેમ છે. વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને બંને માર્ગોને હવે ટુ-લેનમાંથી ફોરલેનમાં રૂપાંતરિત કરવાની જરૂરિયાત તાત્કાલિક બની છે.
અમરેલીથી દરરોજ રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સુરત, ભુજ તેમજ મુંબઈ તરફ મોટી સંખ્યામાં વાહનો અવરજવર કરે છે. વેપાર-ધંધા, શિક્ષણ, સારવાર અને રોજગાર માટે પણ લોકો આ માર્ગોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. તેમ છતાં માર્ગની પહોળાઈ અને વાહન વ્યવહાર વચ્ચેનું અસંતુલન સતત વધી રહ્યું છે.
વાહનચાલકોનો સવાલ છે કે, જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે હાઇવે અને ફોરલેન માર્ગોના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે અમરેલીના આ બંને મહત્વપૂર્ણ માર્ગો હજુ પણ ટુ-લેન કેમ છે? નવા મંજૂર થયેલા નેશનલ હાઇવેમાં પણ આ બંને માર્ગોને પ્રાથમિકતા કેમ આપવામાં આવી નથી?
સાંસદો હોવા છતાં પ્રશ્ન ઉકેલાતો નથી!
અમરેલીથી ચાવંડ વચ્ચેના માર્ગને ફોરલેન બનાવવાની માંગના સંદર્ભમાં રાજકીય રીતે પણ સવાલો ઊઠી રહ્યા છે. માર્ગ પર આવતા ઈશ્વરીયા, જરખીયા અને લાઠી-દુધાળા વિસ્તાર સાથે સંકળાયેલા સત્તાપક્ષના લોકસભા તથા રાજ્યસભાના સાંસદો હોવા છતાં આ મહત્વપૂર્ણ માર્ગની માંગ હજુ સુધી પરિણામ સુધી પહોંચી નથી, તે બાબતે નાગરિકોમાં ચર્ચા છે.
ચૂંટણીમાં ફોરલેનનો મુદ્દો ગરમાવાની શક્યતા
છેલ્લા એક દાયકાથી વાહનચાલકોની વાજબી માંગ હોવા છતાં અમરેલીથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો માર્ગ ફોરલેન ન બનતા આગામી ચૂંટણીમાં આ મુદ્દો રાજકીય રીતે ગરમાવાની શક્યતા છે. જો ચૂંટણી પૂર્વે બંને માર્ગોને ફોરલેન કરવાની દિશામાં નક્કર નિર્ણય લેવામાં નહીં આવે તો વિપક્ષ દ્વારા આ મુદ્દાને ચૂંટણીના મેદાનમાં જોરશોરથી ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. પરિણામે વર્ષોથી અધ્ધર રહેલો અમરેલીનો ફોરલેન પ્રશ્ન આગામી ચૂંટણીમાં શાસકો માટે મોટો પડકાર બની શકે છે.

