ત્રણેક દિવસ પહેલા અરજણસુખ-તોરી ગામ વચ્ચે સિંહણે વનકર્મી સહિત પાંચ લોકો પર હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૫ઃ
અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં બે દિવસ પહેલા આતંક મચાવનાર અને વનકર્મી સહિત પાંચ લોકો પર હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરનાર હુમલાખોર સિંહણનું સારવાર દરમિયાન મોત નીપજતાં વનવિભાગમાં ચકચાર મચી જવા પામેલ છે. આ સિંહણને પાંજરે પૂરવા માટે વનવિભાગ દ્વારા હાથ ધરાયેલા મેગા ઓપરેશન બાદ તેને સારવાર અર્થે ક્રાકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ગત રાત્રે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ બનાવમાં મળતી વિગતો મુજબ વડિયા પંથકમાં અરજણસુખ અને તોરી ગામ વચ્ચે ત્રણેક દિવસ પહેલા એક સિંહણ અચાનક વિફરી હતી. સિંહણના આક્રમક વર્તનથી આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. દરમિયાન સિંહણે વનવિભાગના કર્મચારી સહિત કુલ પાંચ લોકો પર હુમલો કરતાં તમામને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ ઘટનાની જાણ થતાં વનવિભાગનો કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો અને હુમલાખોર સિંહણને પકડવા માટે વ્યાપક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. સિંહણનું લોકેશન મેળવવા તેમજ તેને સલામત રીતે પાંજરે પૂરવા માટે વનવિભાગની ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી. આખરે મેગા ઓપરેશનના અંતે હુમલાખોર સિંહણને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી.
સિંહણને પાંજરે પૂર્યા બાદ તેની તબિયત અને વર્તનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર અને નિરીક્ષણ માટે તેમને ક્રાકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. તબીબો અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી હતી. જો કે, ગત રાત્રે સારવાર દરમિયાન આ સિંહણનું મોત નીપજ્યું હતું.
સિંહણના મોત બાદ હવે તેનું મૃત્યુ કયા કારણોસર થયું તે જાણવા માટે વનવિભાગ દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે. સિંહણને હડકવા (રેબીઝ) હતો કે, અન્ય કોઈ બીમારી અથવા શારીરિક તકલીફના કારણે તે આક્રમક બની હતી તે અંગેનો તબીબી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટતા થશે.
વનવિભાગ દ્વારા સિંહણના મૃતદેહનું જરૂરી પ્રોટોકોલ મુજબ પોસ્ટમોર્ટમ અને સેમ્પલની તપાસ કરવામાં આવશે. રિપોર્ટ બાદ સિંહણના અસામાન્ય વર્તન પાછળનું ચોક્કસ કારણ બહાર આવવાની શક્યતા છે. પાંચ લોકો પર હુમલો કરનાર સિંહણના મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.

