New Delhi, તા. 13
ભારતીય ક્રિકેટમાં બિહારનું નામ રોશન કરનાર ઝડપી બોલર આકાશદીપ અને મુકેશ કુમારને તાજેતરમાં બિહાર સરકાર દ્વારા ડીએસપી (પોલીસ નાયબ અધીક્ષક) ના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
જોકે, હવે સામે આવ્યું છે કે, બિહાર સરકારે આ બંને ક્રિકેટરો સહિત તાજેતરમાં સરકારી પદ મેળવનાર તમામ રમતવીરો સામે એક મોટી શરત મૂકી છે. જો તેઓએ પોતાની સરકારી નોકરી ચાલુ રાખવી હશે તો આ શરતનું ફરજિયાત પાલન કરવું પડશે.
બિહારના ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી નવી અધિસૂચના મુજબ, આકાશદીપ અને મુકેશ કુમારે પાંચ વર્ષનું બોન્ડ ભરવું પડશે. આ બોન્ડ અનુસાર બંને ખેલાડીઓએ આગામી પાંચ વર્ષ સુધી ‘સક્રિય ક્રિકેટર’ તરીકે વિવિધ ક્રિકેટ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લેવો પડશે.
સરળ શબ્દોમાં કહીએ તો, સરકારી સેવામાં રહ્યા બાદ પણ બંને ખેલાડીઓએ ક્રિકેટ સાથે જોડાયેલા રહેવું અનિવાર્ય રહેશે. જો તેઓ આ બોન્ડની શરતોનું ઉલ્લંઘન કરશે અથવા સક્રિય ખેલાડી તરીકે મેચો રમવાનું બંધ કરી દેશે, તો તેમની ડીએસપીની નોકરી પણ જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, સાસરામના રહેવાસી આકાશદીપ અને ગોપાલગંજના મુકેશ કુમારને બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ વિતેલા મહિને એક જાહેર કાર્યક્રમ દરમિયાન અન્ય રમતવીરો સાથે એપોઇન્ટમેન્ટ લેટર (નિયુક્તિ પત્ર) સોંપ્યો હતો.
બિહાર સરકારે રાજ્યમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની ખાસ નીતિ હેઠળ આ બંને ખેલાડીઓની ઉચ્ચ પોલીસ પદ પર પસંદગી કરી હતી. જોકે, સરકારી સેવા અને રમત પ્રત્યેનું સમર્પણ જળવાઈ રહે તે માટે સરકારે આ કડક શરત અમલી બનાવી છે.

