વાડી પાસે લાઇટના અજવાળે જુગારની મહેફિલ પર આજીડેમ પોલીસનો દરોડો, રૂ. ૧૭,૯૫૦ ની રોકડ કબજે
Rajkot,તા.04
ભીમ અગિયારસ પહેલા જ જુગારની મૌસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે.ત્યારે આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે રાજકોટ તાલુકાના ઉમરાળી ગામની સીમમાં રાત્રીના વાડી પાસે લાઇટના અજવાળે જુગારની મહેફિલ પર દરોડા પાડતા નાસભાગ મચી ગઇ હતી. પોલીસે અહીં જુગાર રમતા ૧૦ શખસોને ઝડપી લીધા હતાં.જયારે છ શખસો અંધારાનો લાભ લઇ નાસી ગયા હતાં. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૧૭,૯૫૦ કબજે કરી નાસી ગયેલા શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.વી.ગોહિલ , હેડ કોન્સ. ધર્મેશભાઇ મુંધવા, અનિરૂધ્ધસિંહ સોલંકી, અજયભાઇ હુંબલ, કોન્સ. કૃષ્ણદેવસિંહ ગોહિલ, વિષ્ણુભાઇ ગમારા સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન સરધારધામ,ભૂપગઢ ચોકડી પાસે પહોંચતા બાતમી મળી હતી કે, ઉમરાળી ગામની સીમમાં જુગારની મહેફિલ મંડાઇ છે. આ બાતમીના આધારે ઉમરાળી ગામની સીમમાં સુરેશ પટેલની વાડીની લાઇટના અજવાળે ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડયો હતો. પોલીસને જોતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન અહીં જુગાર રમતા ૧૦ શખસોને ઝડપી લીધા હતાં. જેમાં વિરા ડાભુભાઈ ડવ, રાયધન માંડણભાઈ સુવાણ, વિશાલ રાવતભાઈ ડાંગર, જયદીપ અરવિંદભાઈ સતાપરા, દિનેશ ભોળાભાઈ સોસા, અશ્વિન લાખાભાઈ ધરજીયા, હકા છગનભાઈ સાકરીયા, ભાવિન વસંતભાઈ જળુ, અનિરુદ્ધ લાભુભાઈ ડવ, પ્રવીણ તળસીભાઈ સતાપરાનો સમાવેશ થાય છે. જયારે દરોડા દરમિયાન અંધારનો લાભ લઇ છ શખસો નાસી ગયા હતાં.જેમાં મુકેશ, મનસુખ જસમતભાઇ જોગરાજીયા, રાજેશ ઉર્ફે રજીયો, વિનોદ ઝાલા, મુકેશ ઉર્ફે મોન્ટુ અને પ્રવિણ ઝાપડીયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૧૭,૯૫૦ કબજે કરી નાસી ગયેલા શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.