Rajkot,તા.૧૨
બે દિવસ પૂર્વે નાના મૌવા રોડથી સાગર ચોક તરફ જતા રસ્તે ધોળા દિવસે બપોરે ૨ઃ૩૦ વાગ્યે ચાલુ બાઈકે ૧૧ લાખની લૂંટના કિસ્સાએ આખા ગુજરાતમાં ભારે ચકચાર મચાવી હતી. બાઈક પર જઈ રહેલા મામા-ભાણેજ પાસે રહેલ ૧૧ લાખ રૂપિયાનો રોકડ ભરેલો થેલો અન્ય બાઈક પર આવેલા બે વ્યક્તિઓએ લૂંટીને જતા હોવાના સીસીટીવી સામે આવ્યા હતા અને સમગ્ર મામલે પોલીસ પણ દોડતી થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ખાતે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે, કલાકોની મહેનત બાદ ચાલુ બાઈકે ૧૧ લાખની લૂંટનો આ સમગ્ર બનાવટી હોવાનું સામે આવ્યું છે અને આ કિસ્સામાં ધીરેન્દ્રસિંહ વાઘેલા (૩૨), ધ્રુવરાજસિંહ ગોહિલ, ભાવેશ ખુવા સહિતના વ્યક્તિઓની સંડોવણી સામે આવી છે, જે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ચાલુ બાઈક પર જેઓ પાસેથી ૧૧ લાખ રૂપિયા ભરેલો થેલો લૂંટાયો હતો અને તે બાઈક પર ભાણેજ ધીરેન્દ્રસિંહ વાઘેલા અને મામા હરદેવસિંહ ઝાલા સવાર હતા. ભાણેજ ધીરેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના મામા હરદેવસિંહ ઝાલા પાસેથી ત્રણ મહિના પૂર્વે ૪૦ લાખ રૂપિયા જેટલી રકમ કટકે કટકે લીધી હતી. જે રકમ પરત ચૂકવવી ન પડે તે માટે ભાણેજે જ મામા સાથે છેતરપિંડી કરી ૧૧ લાખની લૂંટનું નાટક રચ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ભાણેજે પોતાના બે મિત્રો સાથે મળીને લૂંટનું ખોટું કાવતરું ઘડ્યું હતું. પ્લાન મુજબ, નંબર પ્લેટ વગરની બાઇક પર આવેલા બે શખસોએ મામાની બાઇકને પાછળથી લાત મારી હતી અને ભાણેજના હાથમાં રહેલો ખાલી થેલો લઈ ફરાર થયા હોવાનો દેખાવ ઊભો કરાયો હતો. જોકે, પોલીસની પૂછપરછમાં ભાણેજ ભાંગી પડતાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો.
મામા હરદેવસિંહ સજુભા ઝાલાએ ભાણેજ ધીરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસેથી રૂ. ૪૦ લાખ લેવાના નીકળતા હતા. આ રકમમાંથી રૂ. ૧૧ લાખ પરત આપવાનું કહી ધીરેન્દ્રસિંહે મામા હરદેવસિંહને પોતાના ઘરે બોલાવ્યા હતા. હરદેવસિંહ બપોરના સમયે રૂપિયા લેવા પહોંચ્યા ત્યારે ધીરેન્દ્રસિંહ તેમની બાઇક પર એક લાલ રંગની થેલી લઈને પાછળ બેસી ગયો હતો. આ રકમ હરદેવસિંહે પોતાની સાળીના ઘરે મોટામવા ખાતે લઈ જવાની હતી. ધીરેન્દ્રસિંહે પોતાના મામા હરદેવસિંહને પરત આપવા માટે રૂપિયા ન હોવાથી તેણે લૂંટનું નાટક રચવાનું નક્કી કર્યું હતું.
પ્લાનિંગ મુજબ, ધીરેન્દ્રસિંહે પોતાના ઓળખીતા ધ્રુવરાજસિંહ ગોહિલ અને ભાવેશ ખુવાનો સંપર્ક કર્યો હતો. બંનેને નંબર પ્લેટ વગરની બાઇક લઈને પાછળ આવવા અને અવરજવર ઓછી હોય તેવા રસ્તા પર લૂંટનો દેખાવ ઊભો કરવા જણાવ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે ધીરેન્દ્રસિંહ ખાલી થેલો લઈને મામાની બાઇક પર પાછળ બેઠો હતો. બંને નાનામૌવા રોડથી સાગર ચોક તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી નંબર પ્લેટ વગરની બાઇક પર આવેલા બે શખસોએ હરદેવસિંહની બાઇકને લાત મારી હતી. આ દરમિયાન ધીરેન્દ્રસિંહે પોતાની પાસેનો ખાલી થેલો તેમને આપી દીધો હતો અને મામાને ’મામા, જાય છે, મામા જાય છે’ તેમ કહી લૂંટારુઓ પાછળ જવા કહ્યું હતું.
આ બનાવ બાદ લૂંટ થઈ હોવાનું દર્શાવવા માટે પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, ધીરેન્દ્રસિંહે રૂ. ૧૧ લાખ ક્યાંથી આવ્યા અને સમગ્ર ઘટનાની વિગતો અંગે પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબ આપ્યા ન હતા. પોલીસે વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેણે કથિત કાવતરાની કબૂલાત કરી હતી. લૂંટની ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓ કઈ દિશા તરફ નાસી ગયા હશે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ એકત્રિત કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન આરોપીઓ કાલાવડ તરફ નાસી ગયા હોવાની જાણકારી મળી હતી. જે જાણકારીના આધારે નકલી લૂંટની ઘટનાને અંજામ આપનારા ધ્રુવરાજસિંહ ગોહિલ તેમજ ખુવાને કાલાવડ જામનગર રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ ધીરેન્દ્રસિંહ સહિત ત્રણેયની અટકાયત કરી તાલુકા પોલીસને તેમનો કબજો સોંપવામાં આવ્યો છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મામા હરદેવસિંહે સોનાના દાગીના ગીરવે રાખીને આ રૂપિયા મેળવ્યા હતા. જે રૂપિયા પોતાના ભાણેજ ધીરેન્દ્રસિંહને વાહન લે-વેચના વ્યવસાય માટે આપ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી મામા હરદેવસિંહે પોતાના ભાણેજ ધીરેન્દ્રસિંહ પાસેથી આ રૂપિયા પરત માંગી રહ્યા હતા. ત્યારે પોતાના મામાને પૈસા પરત આપવા ન પડે તેમજ પોતાની જવાબદારીમાંથી બચી શકાય તે માટે તેણે નકલી લૂંટનો પ્લાન એક સપ્તાહ પૂર્વે બનાવ્યો હતો.પ્લાનને એક્ઝિક્યુટ કરવા માટે તેણે બે ગુનાહિત ઇતિહાસ ધરાવનારા પોતાના મિત્રોનો પણ સંપર્ક કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ધ્રુવરાજસિંહ ગોહિલ અગાઉ લૂંટના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ તેની સાથે રહેલ ખુવા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી મામાને છેતરવા નીકળેલા ભાણિયા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે.

