(નયના દવે દ્વારા)
Jamnagar તા.૮
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં ૩૧ વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, ખંઢેરા ગામના દેવીપૂજકવાસ વિસ્તારમાં રહેતા ધર્મેશભાઇ ઉર્ફે ધરમશી નરશીભાઇ પરમારની પત્ની જીવીબેન (ઉં.વ.૩૧) ખેતમજૂરી કામ કરતી હતી. તા. ૬ ઓગસ્ટના રોજ સવારે ખંઢેરા ગામની પુલની ગોળાઇ પાસે આવેલી વાડીમાં જીવીબેને કોઇ અગમ્ય કારણોસર પોતાના હાથે ખેતરમાં વપરાતી ઝેરી દવા પી લીધી હતી.ઝેરી દવા પીધા બાદ તેમને ઉલ્ટીઓ થતાં પરિવારજનો દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમની તબિયત વધુ લથડતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે તેમના પતિ ધર્મેશભાઇ પરમાર દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

