(નયના દવે દ્વારા)
Jamnagar તા.૮
જામનગર જિલ્લાના જામજોધપુર નજીક ન્યારા પેટ્રોલ પંપ સામેના રેલવે ટ્રેક પર ૫૪ વર્ષીય પરિણીતાએ ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવી લેતાં અરેરાટી ફેલાઈ હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, મેલાણ ગામના વાડી વિસ્તારમાં રહેતા વનીતાબેન જીવનભાઇ વાઘિયા (ઉં.વ.૫૪) છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં રહેતા હતા. તેઓ અગાઉ આશરે ચાર વર્ષ સુધી માનસિક બીમારીની દવા લેતા હતા, પરંતુ છેલ્લા બે વર્ષથી તેમણે પોતાની રીતે દવા લેવાનું બંધ કરી દીધું હતું.
દરમિયાન તા. ૭ ઓગસ્ટના રોજ બપોરે ૧૧.૫૫ વાગ્યા પહેલાંના કોઇ સમયે જામજોધપુરના ન્યારા પેટ્રોલ પંપની સામે આવેલા રેલવે ટ્રેક પર વનીતાબેને માનસિક તણાવથી કંટાળી ટ્રેન હેઠળ પડતું મૂક્યું હતું. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો તથા પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. મૃતકના પુત્ર રૂપેશભાઇ જીવનભાઇ વાઘિયાએ જામજોધપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

